Cyber Crime Securit Update
Cyber Crime Securit: બનાસકાંઠા પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અરજદારોને બે કરોડથી વધુની રકમ પરત અપાવી.સાયબર ફ્રોડ બાબતે સાવચેત રહેવુ અને ત્વરિત પોલીસનો સંપર્ક કરવો
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા
(માહિતી બ્યુરો,પાલનપુર)
આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ છે. જિલ્લાના પ્રત્યેક નાગરિકને “સાયબર ક્રાઇમ સુરક્ષા” આપવા માટે જિલ્લા પોલીસ 24*7 સેવારત છે. સાયબર ક્રાઈમ કે ફ્રોડ નો ભોગ બનેલ વ્યક્તિ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
સરહદી જિલ્લા બનાસકાંઠામાં પણ સાયબર ક્રાઇમના બનાવો અવારનવાર માધ્યમોમાં ચમકતા હોય છે. સાયબર ક્રાઇમ , સાયબર ફ્રોડ થી બચવાનો એકમાત્ર ઉપાય સાવધાની અને સતર્કતા છે. Cyber Crime Securit જિલ્લાના નાગરિકો આવા કોઈ સાયબર ફ્રોડનો શિકાર ન બને એ માટે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ આજરોજ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મીડિયાના માધ્યમથી લોકોને સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અને ભોગ બનેલા અરજદારોને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. તેમજ અજાણ્યા કોલ, OTP, અજાણ્યા નંબર પરથી આવતી લિંક , કે મેસેજ બાબતે સતર્ક રહેવા અપીલ કરી હતી. વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હાલમાં AI ટેકનોલોજી નો ઉપયોગ કરી અધિકારીઓ કે મોટી હસ્તીઓના નામે કોલ, મેસેજ કરી સાયબર ક્રાઈમ આચરવામાં આવે છે, જે બાબતે પણ સાવચેત રહેવું અને આવી ઘટનામાં જરાપણ શંકાસ્પદ બાબત સામે આવે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે જિલ્લામાં જુલાઈ 2024 સુધીમાં 1886 અરજદારોએ સાયબર ફ્રોડ મામલે અરજી કરી છે. જિલ્લાની સાયબર ક્રાઈમ ટીમની સફળ કામગીરીને પગલે ભોગ બનેલા અરજદારોને 2,05,81,270 જેટલી રકમ પરત પણ અપાવી છે. જ્યારે 5009 શંકાસ્પદ બેન્ક ખાતાઓના કુલ ₹ 5,59,40,655 પુટ ઓન હોલ્ડ કરી રોકી દેવામાં આવ્યા છે. આ રકમ ભોગ બનેલા અરજદારોને પરત કરવા માટેની કાર્યવાહી ચાલુ છે.
બનાસકાંઠા જીલ્લાના નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારૂ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જીલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો, કોલેજ, ITI, પોલીટેકનિક ઉપરાંત શહેરની સ્થાનિક સોસાયટીઓ ખાતે સાયબર ક્રાઈમ લોકજાગૃતિ સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. Cyber Crime Securit જેમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવો બાબતે પ્રેઝન્ટેશન દ્વારા સચોટ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. ગત વર્ષે સને-૨૦૨૩ ના વર્ષમાં સાયબર પોલીસ ટીમ દ્વારા જીલ્લામાં કુલ-૫૧ સેમિનાર તથા ચાલુ વર્ષમાં જુલાઈ- ૨૦૨૪ સુધીમાં કુલ-૩૧ સાયબર ક્રાઈમ લોકજાગૃતિ સેમિનારો તથા સાયબર સંવાદોનું આયોજન કરી લોકોમાં સાયબર ફોડના બનાવોથી અવગત કરવામાં આવેલ છે.
બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ બાબતે નીચેના કિસ્સાઓમાં લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
(૧) અજાણ્યા નંબરથી કોઈ કોલ કે મેસેજ આવો તે તેમાં કોઈપણ માહિતી આપવી નહી કે કોલ કરનાર વ્યક્તિ જે કહે તે મુજબ કોઈ કાર્યવાહી કરવી નહી.
(૨) અજાણી લીંકમાં ક્લીક કરવું નહી કે વોટ્સએપમાં ફરતી APK ફાઈલ ડાઉનલોડ કરવી.
(૩) ગુગલ સર્ચ દ્વારા કોઇપણ સર્વિસ માટેનો હેલ્પલાઇન/કસ્મરકેર નંબર સર્ચ કરવો નહી.
(૪) કોઈપણ લોભામણી સ્કીમ કે લાલચમાં ફસાવું નહીં.
(૫) સોશિયલ મિડીયામાં કોઈ અજાણી મહિલા કે અજાણ્યા પુરૂષને ફ્રેન્ડ બનાવવા નહી.
(૬) સોશિયલ મિડીયાના દરેક એકાઉન્ટની પ્રાઇવસી સેટ કરવી.
(૭) હાલના યુવાનો ન્યૂડ વિડીયોકોલનો ખૂબ જ શિકાર બની રહેલ હોઈ અજાણ્યા નંબરનો કોઇ વિડીયોકોલ ભૂલથી પણ રિસીવ કરવો નહી.
(૮) કોઈ પોલીસ અધિકારીના નામથી કોલ આવે અને આધારકાર્ડનો દુરૂપયોગ થયેલનું જણાવીને નારકોટિક્સ – ડ્રગ્સ કે વેપન્સ (હથિયાર) ની ખરીદી થઈ હોવાનું જણાવીને પોલીસ કેસના નામે બ્લેકમેઇલ કરવાની કોશિષ કરે તો ફસાવું નહી.
(૯) બેંક ક્યારેક OTP માગતી ના હોઈ જેથી OTP કોઈને પણ શેર કરવો નહી.
(૧૦) સોશિયલ મિડીયાના સ્ટ્રોન્ગ પાસવર્ડમાં કેપિટલ લેટર, સ્મોલ લેટર, ન્યૂમેરિક અંક અને સ્પેશ્યલ કેરેક્ટર એ રીતેના તમામ એડ કરીને સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખવો અને સમાયંતરે પાસવર્ડ બદલતા રહેવું
(૧૧) ઓનલાઈન જોબ કે ઓનલાઈન મેટ્રોનિયલ સાઈટના એકાઉન્ટની ખરાઈ કર્યા સિવાય કોઈ જ લેવડ દેવડ કરવી નહી.
(૧ર) જો કોઈની સાથે સાયબર ક્રાઈમ લગત ફાઈનાન્શિયલ ફ્રોડ કે સોશિયલ મિડીયા ફ્રોડ થાય તો સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં.1930 ઉપર તાત્કાલિક કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા અપીલ કરવામાં આવે છે.