Gujarat News: લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ના ઉપલક્ષમાં બનાસકાંઠા જિલ્લામાં યોજાનાર ચૂંટણી માટે જિલ્લા માહિતી કચેરી- પાલનપુર ખાતે MCMC (મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી) સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી વરુણ કુમાર બરનવાલે રીબીન કાપીને ઉદ્દઘાટન કર્યું હતુ. લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે, મીડિયામાં પ્રસારિત પેઇડ ન્યૂઝ તેમજ આચાર સંહિતા ભંગ અંગે ચૂંટણી પંચનું ધ્યાન દોરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ અન્વયે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.
ચૂંટણી દરમિયાન ચૂંટણીના શાંતિમય વાતાવરણને ડહોળવા માટે ફેક ન્યુઝ મારફતે ખોટા પ્રચાર- પ્રસાર થતા હોય છે. જેથી આ દરમિયાન ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ખાસ MCMC સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક, રાજ્ય લેવલ તેમજ રાષ્ટ્રીય લેવલની ન્યુઝ ચેનલમાં બનાસકાંઠા જિલ્લાને લગતી ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જે ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી થઈ રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી વરુણ કુમાર બરનવાલે એમ.સી.એમ.સી. સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે, આજના આધુનિક સમયમાં સૌથી વધુ પ્રચાર- પ્રસાર સોશિયલ મિડીયા દ્વારા થતો હોય છે. જેથી સોશિયલ મિડીયા દ્વારા આચારસંહિતાનો ભંગ થતો હોય અથવા ચૂંટણી સમય દરમિયાન ગેરકાયદેસર પોસ્ટ મુકી પ્રચાર- પ્રસાર કરવામાં આવતો હોય છે જેના પર ખાસ તકેદારી રાખી તેનું મોનિટરીંગ કરી તાત્કાલિક અસરથી તંત્રનું ધ્યાન દોરવા સૂચન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલે માહિતી કચેરીની કામગીરીને બિરદાવી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
MCMC સેન્ટર ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે. પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની ચૂંટણી લક્ષી વિગતો, મતદારોની યાદી, વિધાનસભા બેઠકો, નોડલ ઓફિસરશ્રીની વિગતો, ગત લોકસભાના વિજેતા ઉમેદવારો સહિત સામાન્ય ચૂંટણીને લગતી તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે. જેના દ્વારા પત્રકારોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે.
આ પ્રસંગે નાયબ ચૂંટણી અધિકારીશ્રી એચ.કે ગઢવી, પ્રોબેશનરી આઈ.એ.એસ સ્વપ્નિલ સિસલે, માહિતી નિયામકશ્રી કુલદીપભાઈ પરમાર, માહિતી મદદનીશ જીજ્ઞેશ નાયક, અધિક્ષક કૌશિકભાઈ પરમાર, ગુલાબસિંહ રાજપૂત, સહિત જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને MCMC કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.