Diksha Mahotsav : અમદાવાદના આંગણે સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં 35 મુમુક્ષોએ સંયમનો માર્ગ અપનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં 68 લાખ રૂપિયાનું વર્ષીદાન કરવામાં આવ્યું અને ઉપકરણોની ઉછામણી 5 કરોડ 29 લાખની ઉછામણી કરવામાં આવી હતી. અત્યાર સુધીના દીક્ષા મહોત્વસમાં સૌથી મોટી દીક્ષાની ઉછામણી કરવામાં આવી હતી. ઐતિહાસિક જૈન દીક્ષા મહોત્સવમાં રવિવારે અમદાવાદમાં 35 મુમુક્ષુઓની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી. જેમાં હાથી, ઘોડા, ઊંટગાડીઓ, બળદગાડા, શણગારેલા રથો ઉપરાંત વિન્ટેજ કારોમાં બેસીને દીક્ષા લેતાં પહેલાં છૂટા હાથે ચલણી નોટો, વસ્ત્રો, વાસણો, મોતી વગેરેનું દાન કરવામાં આવ્યું હતું.
મહત્ત્વનું છે કે, અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર 3 લાખ ચોરસફૂટ વિસ્તારમાં નિર્માણ કરાયેલી ભવ્ય અધ્યાત્મ નગરી દીક્ષાની ઐતિહાસિક ઘડી વેળાએ ‘દીક્ષાર્થીઓ અમર રહો’ના જયઘોષથી ગૂંજી ઉઠી હતી. તો આ દીક્ષા મહોત્સવમાં 15 આચાર્ય ભગવંતો, 400થી વધુ સાધુ-સાધ્વીજી અને 30 હજારથી વધુ ભાવિકો હાજર રહ્યા હતા.