કોરોના મહામારી બાદ લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધવા લાગ્યું છે. હાર્ટ એટેક વખતે દર્દીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર મળી રહે એ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક પહેલ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યની તમામ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના શિક્ષકોને CPR (કાર્ડીયોપલ્મોનરી રિસક્સિટેશન) ટ્રેનિંગ આપવામાં આવશે.આગામી તા.૩ અને ૧૭મી ડિસેમ્બર-૨૦૨૩ના રોજ આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવશે. શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે રાજ્યની ૩૭ કોલેજોમાં કેમ્પ ગોઠવવામાં આવશે.
હાર્ટ એટેકના શરૂઆતના તબક્કે જ પ્રાથમિક સારવાર મળી રહે એ માટે ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થોલિયોલોજીસ્ટ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે મેગા CPR (કાર્ડીયોપલ્મોનરી રિસક્સિટેશન) ટ્રેનિંગ આપવાનો પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક શાળાનાં ૧,૬૯,૩૮૭ શિક્ષકો અને ૭૧૭૭ એચ-ટાટ આચાર્યોને પ્રથમ તબક્કે ટ્રેનિંગ અપાશે. શિક્ષકોને ટ્રેનિંગ આપવાથી તમામ શહેર-ગામ સુધી તેનો લાભ મળી શકશે.