Gujarat News : ભારત સરકારના નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવેલ “સંપૂર્ણતા અભિયાન ઉત્સવ” નો આજરોજ વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અધ્યક્ષશ્રીએ મહિલાઓના સ્વાસ્થ્યની ખાસ ચિંતા કરતાં પોષણનું સ્તર ઊંચું આવે અને કુપોષણ ઘટે એ માટે વિશેષ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા “મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યનાં 10 જિલ્લાનાં 13 તાલુકાઓ પૈકી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લામાં કૃષિ વિધાલય, થરાદ ખાતેથી વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ “સંપૂર્ણતા” અભિયાન લોન્ચ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું કે, આ અભિયાન એક ટ્રાયલ છે જેના આધારે નીતિ આયોગ દ્વારા નીતિ ઘડવામાં આવશે. પોતાના ગામમાં કોઈ કુપોષિત ન રહે, એ જોવાની જવાબદારી એક એક વ્યક્તિની છે. આ એક દૈવી કામ છે, કોઈ એક વ્યક્તિથી આ કામ ન થઈ શકે એટલે સૌના સહકાર અને સહયોગની અપેક્ષા સાથે થરાદ તાલુકાને કુપોષણ મુક્ત કરવા અધિકારીઓ સાથે લોકોને પણ જોડાવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટરશ્રી વરુણ કુમાર બરનવાલે જણાવ્યું કે, આજથી આગામી તા.30 સપ્ટેમ્બર સુધી થરાદ તાલુકામાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં 100 % સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી “સંપૂર્ણતા અભિયાન” ચલાવવામાં આવનાર છે. આ સૂચકાંકોની સંતૃપ્તિ માટે તા.4 જુલાઈ થી તા.30 સપ્ટેમ્બર, 2024 એમ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એકશન પ્લાન મુજબ “સંપૂર્ણતા અભિયાન” હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ગણેશપુરા, મોટી પાવડી, ખાનપુરા અને લુવાણા કળશ ગામના 22 સ્વ સહાય જૂથોને (દરેક જૂથને રૂ. એક લાખ પચાસ હજાર લેખે) 33 લાખ રૂપિયા કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ લાભાર્થીઓને માતૃશક્તિ, બાલ શક્તિ, પૂર્ણાંશક્તિના પેકેટ અને ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગિતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે “સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા” લેવડાવવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, શિક્ષણ, કૃષિ સહિતના વિભાગો દ્વારા પ્રદર્શની સ્ટોલ ખુલ્લા મુકવામાં આવ્યા હતા જેની અધ્યક્ષશ્રીએ મુલાકાત લીધી હતી. તેમજ આઈ.સી.ડી.એસ. ના બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણ આહાર/ વાનગીઓનું નિદર્શન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નીતિ આયોગના કન્સલ્ટન્ટ શ્રી અરવિંદ કુમાર, જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઈ.શેખ, મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી, પ્રોગ્રામ ઓફિસરશ્રી આઈ.સી.ડી.એસ.,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી , બનાસબેન્કના ચૅયરમેન શ્રી સવસીભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા