Gujarat News: ગુજરાત કેડરને ફાળવવામાં આવેલ 2023 બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને સારા કાર્યો અને સેવાની ભાવનાથી કામ કરવા અને લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો.
ગાંધીનગર, 20 મે:ગુજરાત કેડરમાં ફાળવવામાં આવેલા 2023 ની બેચના 8 પ્રોબેશનરી IAS અધિકારીઓએ સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ 8 અધિકારીઓમાં 7 મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓએ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)માંથી સંસ્થાકીય તાલીમ પૂર્ણ કરી છે.
આ પ્રોબેશન અધિકારીઓને રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ, વલસાડ, નર્મદા અને નવસારી જિલ્લામાં ક્ષેત્રીય તાલીમ માટે સુપરન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને જણાવ્યું હતું કે તેમને ગુજરાતમાં ઉચ્ચ હોદ્દા પર સેવા કરવાની તક મળી છે. મુખ્યમંત્રીએ આ તકનો સદ્કાર્યો અને સેવાની ભાવના સાથે કામ કરવા અને લોકોના હૃદયમાં સ્થાન મેળવવા માટે તેમને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાનો પરિચય આપ્યો હતો, તેમની શૈક્ષણિક કારકિર્દીની વિગતો આપી હતી અને તાલીમ દરમિયાન મેળવેલા અનુભવોની માહિતી આપી હતી. મુખ્યમંત્રી સાથે અધિકારીઓની બેઠક પ્રસંગે સ્પીપાના મહાનિર્દેશક શ્રી મોહમ્મદ શાહિદ, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ શ્રી વિજય ખરાડી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.