Cholera Cases in Palanpur: પાલનપુર શહેરનાં કોટ અંદરનાં વિસ્તારમાં થોડા દિવસથી ઝાડા-ઉલ્ટીનાં કેસમાં વધારો થવા પામ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે લોકોનાં ઘરોમાં તપાસ હાથ ધરી હતી. એક વ્યક્તિનો રિપોર્ટ કોલેરા પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે સમગ્ર વિસ્તારનો કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો.
પાલનપુરમાં કોલેરા હાહાકાર મચાવી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં ઝાડા-ઉલટી તથા પેટના દુખાવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી છે. 150 જેટલા લોકો દ્વારા હોસ્પિટલમાં સારવાર લેવામાં આવ છે. તેમજ 23 જેટલા લોકોને વધુ અસર જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની પણ માહિતી છે. રોગચાળો વધવાના કારણે પાલનપુરના 17 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર છેલ્લા પાંચ દિવસથી સારવાર લઇ રહેલા એક મહિલાનું કોલેરાના કારણે મોત નીપજ્યું છે. આ પહેલા પણ બે લોકોના ઝાડા ઉલટીના કારણે મોત થયા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત બનાસકાંઠાની દરખાસ્ત અંતર્ગત વરૂણ કુમાર બરનવાલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજિસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુર દ્વારા પાલનપુર શહેર વોર્ડ નંબર – ૦૬ ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર વોર્ડ નંબર 6 ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
આ સમગ્ર બાબતે જીલ્લા રોગ નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું કે, એક દર્દીનો રિપોર્ટ કોલેરો પોઝીટીવ આવ્યો હતો. જેને લઈ જીલ્લા કલેક્ટર વરુણ બરનવાલ દ્વારા ખાસદારફળી, ભક્તોની લીમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, કમાલપુરા, ઝવેરી માઢ, જૂનો અંબબકૂવો, ઝાંઝર સોસાયટીની આજુબાજુનાં બે કિલોમીટરનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. તેમજ નગરપાલિકાની ટીમ દ્વાર બુધવારે સમગ્ર વિસ્તારમાં સર્વે કરતા પાણીની પાઈપલાઈનમાં પાંચ જગ્યાએ લીકેજ મળી આવ્યા હતા. જેનું તાત્કાલીક ધોરણે રીપેરીંગ કામ હાથ ધરાયું હતું.
70 થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા
પાલનપુરમાં વોર્ડ નં. 6 માં છેલ્લા થોડા સમયથી અચાનક ઝાડા-ઉલ્ટીનાં કેસમાં વધારો થવા પામ્યો છે. ત્યારે હાલ 70 થી વધુ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી તેઓની તાત્કાલીક સારવાર હાથ ધરવામાં આવી છે