કોરોના બાદ દુનિયાભરમાં તબાહી મચાવારા ખતરનાક વાયરસ HMPVને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારતમાં આજે બે કેસ કર્ણાટકમાં નોંધાયા હતા, હવે આ વાયરસની એન્ટ્રી ગુજરાતમાં પણ થઇ ચૂકી છે. અમદાવાદમાં HMPV વાયરસની એન્ટ્રી થઇ છે, પ્રથમ કેસ ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાળક મૂળ મોડાસા પાસેનાં ગામનું હોવાની જાણકારી મળી છે જેને બાદમાં ચાંદખેડા વિસ્તારની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં HMPV વાયરસની પુષ્ટી થઇ હતી. હાલમાં આ બે વર્ષનું બાળક સારવાર હેઠળ છે.
આ બાળકને HMPV વાયરસના શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા છે. બાળક ખાનગી હોસ્પિટલના સારવારથી સ્વસ્થ જોવા મળ્યું છે. ખાનગી લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામના પરિવારનું છે. બાળકની તબિયત બગડતા અમદાવાદ લાવ્યા હતા.
ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન
ચીનમાં HMPV વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. ચીનના કેટલાક પ્રાંતમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. અને આ સ્થિતિ કોરોના સમયની યાદ અપાવી રહી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે નવા વાયરસની એન્ટ્રી વચ્ચે શુ કરવું અને શું ન કરવું તેને લઈને આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી. લક્ષણો જણાય તો ડોક્ટરો નો સપર્ક કરવા આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે. રાજ્યમાં હાલના તબક્કે એક પણ કેસ નોંધાયેલ ન હોવાનો આરોગ્ય વિભાગનો દાવો છે. તો બીજી તરફ, ભારતના સ્વાસ્થય વિભાગે કહ્યું કે, અમે અમારી લેબમાં ટેસ્ટ નથી કર્યો. ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં કેસ સામે આવ્યો છે.
HMPV વાયરસના લક્ષણો
- કોરોના જેવા લક્ષણો દેખાય
- વધુ તાવ અને ઉધરસ આવવી
- શ્વાસ લેવામાં તકલીફ પડવી
- ફેફસામાં ચેપ લાગવો
- નાક બંધ થઇ જવું
- ગળામાં ઘરઘરાટી આવવી
- સંપર્ક દ્વારા ફેલાય છે
HMPV વાયરસ શું છે ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, HMPV વાયરસ છેલ્લા ઘણા દાયકાઓથી હાજર છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 2001માં નેધરલેન્ડ્સમાં તેની પ્રથમ ઓળખ થઈ હતી. શ્વસન રોગોવાળા બાળકોના નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. HMPV એ પેરામિક્સૉવિરિડે પરિવારનો વાયરસ છે. આ વાયરસ દરેક ઋતુમાં હવામાં હોય છે. તે ચેપગ્રસ્ત લોકોની ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. શિયાળામાં તેના વધુ ફેલાવાનો ભય રહે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે એચએમપીવી વાયરસ 1958 થી વ્યાપકપણે ફેલાયો હતો.