(માહિતી બ્યુરો, પાલનપુર)
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે જગત જનની મા અંબા ના દર્શન અને પૂજા- અર્ચના કરી માઈભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી.રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ-વિદેશમાં રહેતા માઈભક્તોને પ્રસાદ ઘેર બેઠા મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરાઇ છે. આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાતથી દશ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે.
આ સેવામાં પ્રસાદનો ઓર્ડર આપનાર માઈભક્તો તેનું સ્ટેટસ પણ જાણી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓનલાઇન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે. જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે. આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે.
આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સુશ્રી સિદ્ધિ વર્મા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.