- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છેઃ મુખ્યમંત્રી
- સીએમ કાર્યાલય અને એનએફએસયુ તથા વાધવાની ફાઉન્ડેશન વચ્ચે એમઓયુ થયા
- મુખ્યમંત્રીએ IITRAM દ્વારા સીએમ ડેશબોર્ડ અંગેના સ્ટડી રિપોર્ટનું વિમોચન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે Bhupendra Patel મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે–૨૦૨૩ની આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Narendr Modi એ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના છેલ્લા ૨૦ વર્ષથી વધુના કાર્યકાળમાં આગ વધી રહેલી વિકાસયાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુસાશનની વિશેષ ભૂમિકા છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે, વડાપ્રધાનએ સો ટકા સેચ્યુરેશનથી જનકલ્યાણલક્ષી યોજનાઓ તેના સાચા લાભાર્થી સુધી પહોંચે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. આ યાત્રા દરમિયાન લોકો સુધી સરકાર પહોંચે હેતુથી લાભાર્થીઓને ઘર આંગણે સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, રાજ્યના છેવાડાના માનવી સુધી સેવાની સરળ અને ઝડપી ડિલીવરીથી ગુડ ગવર્નન્સ સાકાર કર્યું છે. બોટમ ટુ ટોપ એપ્રોચ સાથે કામગીરી કરીને રાજ્ય સરકારે સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકો માટે લોકો સુધી પહોંચવા માટેના કર્તવ્ય ભાવથી રાજ્ય સરકાર કાર્યરત છે.
આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રીએ નવા ઇનિશિએટિવ્ઝ અંતર્ગત પહેલ સીએમ કાર્યાલયની અપડેટ વેબસાઈટ, સ્વાગત ઓનલાઈનની અદ્યતન વેબસાઈટ અને સીએમ ડેશબોર્ડના નવા શરૂ કરાયેલા બે પેરામીટર્સનું લૉન્ચિંગ કર્યું હતું.
સીએમ કાર્યાલયની આ નવી વેબસાઈટ સરળ નેવિગેશન, સહજ એક્સેસ, મોબાઈલ રિસ્પોન્સિવ પેજીસ, સમાચાર તથા પ્રેસ રિલીઝનું સરળ શેરિંગ, ફોટો-વીડિયો માટે સરળ વોલ સહિતની ઘણી સુવિધાઓથી સભર છે. તેના પરથી હવે સીએમઓ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પ્રત્યેક પોસ્ટ જોવા મળી શકશે. તેમજ રાજ્ય સરકારના અગત્યના નિર્ણયોની માહિતી નવી વેબસાઈટના હોમ પેજ પરથી જ મળી રહેશે.
સ્વાગત કાર્યક્રમની અદ્યતન વેબસાઈટમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. નિયત સમયમર્યાદામાં નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આપોઆપ અરજી ઉપરી અધિકારીને તબદીલ થાય છે. અરજીના ઝડપી નિકાલ તથા મોનીટરીંગ માટે ઓટો એસ્કલેશન મેટ્રિક્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત સીએમ ડેશબોર્ડને વધુ અસરકારક બનાવવા રિઅલ ટાઈમ પર્ફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ ૨.૦ તથા ડિપાર્ટમેન્ટ પર્ફોર્મન્સ એલર્ટ મોનિટરીંગ સિસ્ટમ દાખલ કરાયાં છે. રિઅલ ટાઈમ પર્ફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ ૨.૦ જિલ્લા અધિકારીઓનું પાંચ મુખ્ય સેક્ટર્સમાં ધ્યાન કેન્દ્રિત કરશે. તેમજ પર્ફોર્મન્સ એલર્ટ મોનિટરીંગ સિસ્ટમથી વિભાગના મંત્રીઓ અને સચિવોને વિભાગની પ્રજાલક્ષી યોજનાઓની લક્ષ્યસિદ્ધિઓ, ક્યાં કચાસ રહી ગઈ, ક્યાં વિશેષ કાર્યને અવકાશ છે વગેરે માહિતીનું સતત અપડેટ આપશે.
ગુડ ગવર્નન્સ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ત્રણ એમઓયુ થયાં હતા. જેમાં એનએફએસયુ અને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, એમનએફએસયુના અને સીએમ. ડેશબોર્ડ તથા વાધવાની ફાઉન્ડેશન અને મુખ્યમંત્રી કાર્યાલયના એડમિન એકમ વચ્ચે વિવિધ વહીવટી પ્રક્રિયા સરળ કરવા અંગે એમઓયુ થયા હતા.
મુખ્યમંત્રીએ ટેકનોલૉજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું હતું કે, ટેકનોલૉજીના મહત્તમ ઉપયોગ થકી જનજન સુધી પહોંચવા સૌનો સહિયારો પ્રયાસ જરૂરી છે. તેમણે દરેક અધિકારીઓને સુશાસન માટે પોતાને યોગ્ય લાગે તેવા નહિ, પરંતુ સહિયારા ટીમ વર્કથી ઉપજેલા સર્વસંમત નિર્ણયોનો અસરકારક અમલીકરણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, અન્ય અધિકારી કર્મચારીથી ભૂલ થઈ શકે, પરંતુ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ-કર્મચારીઓએ ભૂલને અવકાશ ન આપવો જોઈએ. તેમણે ‘ઝીરો-એરર’ના મંત્ર સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીના એપીઆરઓ વિવેક ત્રિવેદીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કલ્યાણ રાજ્યનો સિદ્ધાંત સ્વીકારીને સુસાશનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. તેમના નેતૃત્વમાં ગુડ ગવર્નન્સ માત્ર ખ્યાલ-સંકલ્પના માત્ર ન રહેતા, જીવંત વાસ્તવિકતા બની છે. સીએમ કાર્યાલયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી ફરિયાદોનું હકારાત્મક નિરાકરણ આવી રહ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ IITRAM દ્વારા સીએમ ડેશબોર્ડ પર કરાયેલા અભ્યાસના અંગે રિપોર્ટનું વિમોચન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી પ્રણવ પારેખે કર્યું હતું. જ્યારે મુખ્યમંત્રીના અધિક કલેક્ટર શ્રીમતી મિતા જોશીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીના મુખ્ય સલાકાર ડૉ. હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના સલાહકાર એસ. એસ. રાઠૌર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી એ. બી. પંચાલ, મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી ડી. કે. પારેખ, એનએફએસયુના ડાયરેક્ટર જનરલ પદ્મ ડૉ. જે. એમ. વ્યાસ, વાધવાની ફાઉન્ડેશનના પ્રકાશ વાધવાની તથા મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.