NEET UG Paper Leak Case : ગુરુવારે NEET-UG પેપર લીકની તપાસ કરી રહેલી CBI ટીમે ગુજરાતના ગોધરા નજીકની એક ખાનગી શાળામાં આયોજિત મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે આરોપીને પૈસા ચૂકવનારા ત્રણ ઉમેદવારોના નિવેદનો નોંધ્યા હતા.
સીબીઆઈએ પૂછપરછ કરી
ત્રણ ઉમેદવારો અને તેમના માતા-પિતા ઉપરાંત, CBI ટીમે ગોધરા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક જય જલારામ સ્કૂલના માલિક દીક્ષિત પટેલની પણ પૂછપરછ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ કેસની તપાસ માટે સીબીઆઈની ટીમ છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ધામા નાખી રહી છે. દીક્ષિત પટેલ દ્વારા સંચાલિત શાળાને પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું.
સીબીઆઈએ બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી
CBIની ટીમે બુધવારે તેની તપાસના ભાગરૂપે ગુજરાતના ખેડા અને પંચમહાલ જિલ્લામાં આવેલી બે ખાનગી શાળાઓની મુલાકાત લીધી હતી. સીબીઆઈના અધિકારીઓએ સૌપ્રથમ ખેડા જિલ્લાના સેવાલિયા-બાલાશિનોર હાઈવે પર આવેલી જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ત્યારબાદ પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી જય જલારામ સ્કૂલની મુલાકાત લીધી હતી. લગભગ 100 કિલોમીટરના અંતરે આવેલી બંને શાળાઓ પટેલની માલિકીની છે.