મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના ચોથા દિવસે ટોક્યોમાં જાપાનના અગ્રણી ઉદ્યોગ રોકાણકારો, બિઝનેસ પ્રોફેશનલ્સ સાથે રોડ-શો યોજ્યો હતો. ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાઇ રહેલી ૧૦મી એડિશનમાં જાપાનના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતનું હાઈલેવલ ડેલીગેશન જાપાન-સિંગાપોરના સાપ્તાહિક પ્રવાસે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જાપાનના ૨૦૦થી વધુ અગ્રણી ઉદ્યોગ રોકાણકારો-બિઝનેસ પ્રોફેશનલ્સ સમક્ષ ગુજરાતના સર્વગ્રાહી વિકાસ સાથે ભારતના વિકાસ રોલ મોડેલ રાજ્ય તરીકેની વિકાસ ગાથાની પ્રભાવક પ્રસ્તુતિ આ રોડ-શો માં કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, જાપાનના અનુભવ અને ક્ષમતા સાથે ગુજરાતની ઉદ્યોગ સાહસિકતા અને જાપાનની ટેકનોલોજી સાથે ગુજરાતના યુથ ટેલેન્ટના સમન્વયથી જાપાન-ભારત-ગુજરાત સંબંધોને નવી ઊંચાઈ મળશે.
સુઝુકી મોટર્સ-જેટ્રો-આર્સેલર મિત્તલ-નિપ્પોન સ્ટીલના વરિષ્ઠ પ્રતિનિધિઓએ ગુજરાતની ડેવલપમેન્ટ તેમજ ભારતમાં ગુજરાતે ઊભા કરેલા સ્થાનની સરાહના કરી હતી.