મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે.
ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે.
અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે.
એટલું જ નહિં, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં વર્ષ દરમ્યાન પ્રવાસીઓ આવતા રહે છે.
આ આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનારા પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક-સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે.
એટલું જ નહિં, ધારી તાલુકાના 25 જેટલા ગામો જંગલ વિસ્તારના હોવાથી ક્યારેક જંગલની આગના બનાવો બને તેવા સમયે ફાયર ફાઈટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે.
ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નગરપાલિકાની નાગરિક લક્ષી સુવિધા મળવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.
આ ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે.
અત્યારે ‘અ’ વર્ગની 22, ‘બ’ વર્ગની 30, ‘ક’ વર્ગની 60 અને ‘ડ’ વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્યરત છે.
હવે તેમાં આ નવી ‘ડ’ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત અન્ય એક નિર્ણય લઈને સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે.
ઈડરની જનતા જનાર્દનની લાંબા સમયની માંગણીનો મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને આ બે ગ્રામપંચાયતોનો ઈડર નગરપાલિકામાં મર્જ કરવા નિર્ણય કર્યો છે.
આના પરિણામે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલોપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.