સતત બે મહિના સુધી ચાલનારા આ સ્વચ્છતા અભિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
નવરાત્રિ અને દિવાળીના તહેવારો પણ નજીક આવી રહ્યા છે.
આ તહેવારો પહેલાં લોકો પોતાના ઘરની અને મહોલ્લાની સાફ- સફાઇ કરાવતા હોય છે. નજીકના સમયમાં આવનારા તહેવારો અને સ્વચ્છતા અભિયાનનો સુભગ સમન્વય થતાં સોનામાં જેમ સુંગધ ભળે તેમ આ સ્વચ્છતા અભિયાનને બમણો વેગ મળ્યો છે.
શહેરોથી લઇ અંતરીયાળ ગામડાઓ સુધી લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લો જાણે સ્વચ્છતાના રંગે રંગાયો છે. જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સ્વચ્છતા અભિયાન યોજી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત સરકારના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ અમીરગઢ તાલુકા પંચાયતના પટાંગણમાં સફાઇ કાર્યક્રમનું આયોજન કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તાલુકા પંચાયતની તમામ શાખાના કર્મચારીઓ આ અભિયાનમાં જોડાયા છે.
અમીરગઢ તાલુકામાં તાલુકા પંચાયત સહિત તમામ ગ્રામ પંચાયતોમાં સોલાર રૂફ ટોપ લગાવવામાં આવી છે. આ ટ્રાયબલ તાલુકામાં સરકારશ્રીની ૨૦ ટકા સહાયથી સોલાર રૂફ ટોપ લગાવામાં આવી છે. સરકારી કચેરીઓમાં સોલાર રૂફ ટોપ લગાવનાર અમીરગઢ તાલુકો ગુજરાતનો પ્રથમ તાલુકો છે.સોલાર રૂફ ટોપના અમલીકરણથી વીજળીની બચત થાય છે અને તમામ ગ્રામ પંચાયતોમાં વીજળીનું બીલ શૂન્ય આવે છે.