બનાસકાંઠા જિલ્લાની સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં આગામી બે મહિના સુધી સ્વચ્છતા હી સેવાના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
જે અંતર્ગત તા.3-11-2023 રોજ સરકારી કચેરીઓમાં રેકર્ડનું વર્ગીકરણ, ભંગારનો નિકાલ અને જુના વાહનોની હરાજી સહિતના કાર્યક્રમો હાથ ધરવાનું નિયત કરવામાં આવેલ છે એ પ્રમાણે ડીસા ,ધાનેરા કાંકરેજ અને દાંતીવાડા તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ સિનિયર કલાર્ક સહિતના કર્મચારીઓ દ્વારા વહીવટી શાખાનું રેકર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયત દ્વારા કાઢવામાં આવતા આવકના દાખલા સહિતના દસ્તાવેજોની ફાઇલો તથા વિવિધ શાખાના કર્મચારીઓએ રેકર્ડ વર્ગીકરણ કરીને દિવાળીના તહેવાર પહેલાં કચેરીને સ્વચ્છ કરવાની ઝુંબેશ ઉપાડવામાં આવી છે. કોઇપણ ફાઇલ સરળતાથી અને ઝડપતી મળી રહે તે માટે વર્ગ અને વર્ષ વાઇઝ ફાઇલોનું વર્ગીકરણ કરીને પોટલા બાંધવામાં આવ્યા છે.
જેનાથી કામની ઝડપ પણ વધશે અને ભવિષ્યમાં જરૂરીયાત મુજબની ફાઇલો સરળતાથી મેળવી શકાશે.આમ ડીસા ,ધાનેરા ,કાંકરેજ અને દાંતીવાડા તાલુકા પંચાયતોને રેકર્ડ વર્ગીકૃત કરી સફાઈ અભિયાનને વધારે વેગ મળે એ પ્રયાશ કરાયો.