પ્રાકૃતિક ખેતી કરતા ૩૨ જેટલા ખેડુતો દ્વારા શાકભાજી, મીલેટસ, કઠોળ, ધાન્ય પાકો, કાચી ઘાણીના સરસવ, સીંગતેલ, મધ અને સરગવાનો પાઉડર વેચાણ અર્થે મુકાયા
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલની પ્રેરક ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, પાલનપુર ખાતે ૧૨ ડિસેમ્બરના રોજ અમૃત આહાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી પ્રાકૃતિક કૃષિ કરતા ૩૨ જેટલા ખેડૂતો પોતાની વેચાણ ઉપજ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોના વેચાણ અર્થે યોજાયેલા આહાર અમૃત મહોત્સવમાં ખેડૂતોએ જુદી જુદી ઉપજ જેવી કે શાકભાજી, મીલેટસ, કઠોળ, ધાન્ય પાકો, કાચી ઘાણીના સરસવ, સીંગતેલ, મધ અને સરગવાનો પાઉડર વગેરે ઉપજો વેચાણ અર્થે મુકવામાં આવી હતી.જેમાં અંદાજીત રૂ. ૫૫૬૦૦/- નુ ૧૨૮૮ કી.ગ્રા. પ્રાકૃતિક કૃષિ ઉપજોનુ વેચાણ થયુ હતુ.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલે પ્રાકૃતિક કૃષિને બજાર મળતુ થાય અને તેમને સારો એવો બજાર ભાવ મળી રહે અને એક ખેડુત ૧૦ થી ૧૨ પરીવાર સાથે જોડાઇ પરીવારને પ્રાકૃતિક કૃષિ ખેત ઉત્પાદનોની તમામ જરૂરીયાતો પુરી પાડે તેવો ફેમીલી ફાર્મરનો કોન્સેપ્ટ સમજી મદદરૂપ થવા જણાવ્યું હતું. તેમજ વિવિધ એશોશીયેશનના હોદેદારો પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતીશીલ ખેડુતોના ફાર્મની મુલાકાત લે અને જીલ્લામાં એગ્રો ટુરીઝમનો વિકાસ થાય એના પર ભાર મુક્યો હતો. તેમજ મેડીપોલીસ ખાતે ચાલતી કેંટીનમા પ્રાકૃતિક કૃષિ વેચાણની વ્યવસ્થા કરવામા આવશે એમ જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી શીવરામભાઇ પટેલ દ્વારા ખેડુતોની ઉપજમાં ખરીદનાર વર્ગ છે, તો ખેડુતો તેમની માગણી અને ભરોસા મુજબ પ્રાકૃતિક કૃષિની ઉપજો પુરી પાડવામા આવે તો કોઇ પ્રશ્ન નથી એમ જણાવી ખરીદનાર વર્ગના તમામ એશોશીયેશન દ્વારા આ બાબતે પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો અને જીલ્લાના વિવિધ સંગઠનો જેવા કે ચેમ્બર ઓફ કોમર્સ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ , હોટેલ એશોશીયેશન, એપીએમસી તેમજ વિવિધ સંગઠનોના હોદેદારો સહિત જીલ્લાના પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી આત્મા, નાયબ ખેતી નિયામક (વિ.) નાયબ બાગાયત નિયામક શ્રી, પાલનપુર તેમજ અન્ય અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામા ખેડુતો અને ખરીદનાર વર્ગ ઉપસ્થિત રહ્યા હતા.