મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતની ખાલી પડેલી વિધાનસભા બેઠક વાવની પેટાચૂંટણીની જાહેરાત કરાઈ છે. 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક પર મતદાન થશે જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી થશે.
આ બેઠક કેમ ખાલી પડેલી હતી ?
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી વિજેતા બન્યા હતા. જેથી તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.જેને લઈ આ બેઠક ખાલી પડેલી હતી નિયમ મુજબ ખાલી પડેલી સીટ પર ચૂંટણી યોજવી ફરજિયાત છે. જેથી આજે ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખોની સાથે વાવની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે, જેના પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું એલાન
- નામાંકન તારીખ: 18 ઓકટોબર
- નામાંકન માટેની છેલ્લી તારીખ: 25 ઓકટોબર
- નામાંકન ચકાસણી: 28 ઓકટોબર
- નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 30 ઓકટોબર
- મતદાન તારીખ: 13 નવેમ્બર
- મતગણતરી: 23 નવેમ્બર
વાવ બેઠકની ચૂંટણીની જાહેરાતને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે. વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું. લોકસભામાં વાવ વિધાનસભાનું પરિણામ ભાજપ માટે પોઝિટિવ હતું.
કોને મળશે ટિકિટ
ભાજપ અને કોંગ્રેસ માટે વાવની પેટાચૂંટણી વટનો સવાલ બની રહેશે. આ બેઠક પર ગેનીબેનનનો વર્ષ 2027 થી દબદબો છે. તેથી ભાજપ માટે ગેનીબેનનો કિલ્લો ધ્વસ્ત કરવું મુશ્કેલ છે. ત્યારે વાવની પેટાચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. ગુજરાતમાં ભલે ભાજપની સરકાર હોય, પણ વાવ બેઠક પર જીતવું ભાજપ માટે પણ લોખંડના ચણા ચાવવા જેવું છે. ત્યારે ભાજપ આ બેઠક પર જીતવા અને કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે તો સમય આવ્યે ખબર પડશે.
વાવ બેઠકના જાતિગત સમીકરણો
આ બેઠક પર અંદાજિત જાતિકરણ સમીકરણો તપાસીએ તો ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ ચૂંટણી ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે છે.
2022 વિધાનસભા ચૂંટણી
ગેનીબેન ઠાકોર (કોંગ્રેસ) vs સ્વરૂપજી ઠાકોર (ભાજપ) – ગેનીબેનની જીત
2017 વિધાનસભા ચૂંટણી
ગેનીબેન ઠાકોર (કોંગ્રેસ) vs શંકર ચૌધરી (ભાજપ) – ગેનીબેનની જીત
2012 વિધાનસભા ચૂંટણી
શંકર ચૌધરી (ભાજપ) vs ગેનીબેન ઠાકોર (કોંગ્રેસ) – શંકર ચૌધરીની જીત
આ બેઠકનો રાજકીય ઈતિહાસ
1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતએ ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.