દિવાળીનાં તહેવારો ટાણે જ રાજ્યભરનાં 72 લાખ જેટલા રેશનકાર્ડ લાભાર્થીઓ અનાજ-ખાંડ-તેલ વિના જ ટળવળે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કારણકે આજથી રાજ્યભરનાં 17-હજાર જેટલા રેશનીંગનાં દુકાનદારો કમિશનના પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. અમરેલી જિલ્લાના 572 જેટલા દુકાનદારો પણ હડતાળમાં જોડાયા હતા.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની અંદાજે ૧૫૦ થી વધુ અને જિલ્લાની ૫૦૦ થી વધુ સસ્તા અનાજની દુકાનદારો હડતાળમાં જોડાયા છે જેતપુરની 75 જેટલી સસ્તા અનાજની દુકાનોના માલિક પડતર માંગણીને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે. રૂપિયા 20 હજારનાં કમિશન મુદ્દે સરકારે જાહેરાત કર્યા બાદ વેપારીઓ સાથે દગો અનુવવામાં આવતા સસ્તા અનાજના વેપારી સંગઠ્ઠનોએ દિવાળીનાં તહેવારો ટાણે જ તંત્રનું નાક દબાવ્યુ છે.
સસ્તા અનાજના દુકાનદારોનો દાવો છે કે આ પહેલા અસરકાર આંદોલન કરવામાં આવ્યું હતુ ત્યારે સરકારે વચન આપ્યું હતું કે ત્રણસોથી ઓછા રાશન કાર્ડ હશે તે દુકાનદારને મહિને વીસ હજાર રુપિયા આપવામાં આવશે. જો કે હજુ સુધી સરકારે આ વચન પૂર્ણ કર્યું નથી. આ જ પ્રમાણે અનાજની ઘટ સમસ્યા મુદ્દે પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી.
એક બોરીએ ત્રણથી ચાર કિલો અનાજની ઘટ પડી રહી છે જેના પરિણામે દુકાનદારોને આર્થિક ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારોને કમિશનની આવક થઇ રહી નથી અને પોતાના ખિસ્સામાંથી દુકાનદારોએ રૂપિયા આપવા પડે છે. નિયમિત રીતે અનાજનો જથ્થો પણ મળતો નથી.
એટલું જ નહીં ડિજીટલાઈઝેશનના કારણે અનેક જગ્યાએ સર્વરના પણ ઠેકાણા હોતા નથી. દરરોજ સર્વર ખોટકાય જવાની ઘટના બનતી રહે છે ત્યારે રાશન કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ઝઘડા પણ થાય છે. ત્યા આ તમામ સમસ્યાનો સરકાર ઉકેલ લાવે તેવી માંગ સાથે સરકાર સામે દુકાનદારોએ બાંયો ચઢાવી હતી.