સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત સુરતમાં માત્ર પાંચ દિવસના જન્મજાત બાળકના અંગોનું દાન કરી અન્ય બાળકના જીવનમાં નવ ઉજાસ ભરવામાં આવ્યો છે. સુરતના સંઘાણી પરિવાર દ્વારા કઠિન સમયે લેવામાં આવેલા નિર્ણયને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બિરદાવ્યો છે. જે પ્રસંગે આજ રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા સંઘાણી પરિવારની મુલાકાત લઇ તેમના આ નિર્ણયની સરાહના કરવામાં આવી છે. 16મી ઓક્ટોબરના રોજ જન્મેલ આ બાળક કોઈ હલનચલન ન કરી શકતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જે બાદ સુરતના વરાછા ખાતે આવેલી પી. પી. સવાણી હોસ્પિટલમાં આ બાળકને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. બાળકના જન્મને લઈને શરૂઆતમાં પરિવારજનોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ, જ્યારે હોસ્પિટલના તબીબો દ્વારા બાળકના તમામ રિપોર્ટ કાઢી જાહેર કરાતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હર્ષ સંઘાણીની પત્ની ચેતના સંઘાણીએ બાળકને જન્મ આપતા પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો. પરંતુ પાંચ જ દિવસની અંદર જ બાળકને બ્રેઇન્ડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંતે બાળકના અંગદાનનો નિર્ણય કર્યો હતો. બાળક પરિવાર વચ્ચે તો રહ્યું ન હતું પરંતુ બાળકના અંગોનું દાન કરી અન્યને નવજીવન આપી શકાય તે માટેનો કઠિન નિર્ણય આ પરિવારે કર્યો હતો.
સંઘાણી પરિવારે હૃદય પર પથ્થર મૂકી લીધેલા આ નિર્ણયની ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સરાહના કરી છે. પરિવારના સમાજ હિતના આ નિર્ણયને આવકારતા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે આજરોજ સંઘાણી પરિવારના નિવાસસ્થાન ખાતે મુલાકાત કરી હતી. અને કહ્યું હર્ષભાઇ અને ચેતનાબેન સંઘાણીને મળ્યો ત્યારે આંખો સ્હેજ ભીની થઇ ગઇ. આ પરિવારે એમનાં પાંચ જ દિવસનાં દિકરાનું અંગદાન કરી સેવાનાં અર્થને વધારે મજબૂત બનાવ્યો છે. આજે આ પરિવારને રૂબરૂ મળી વંદન કર્યા. એ નાનકડાં દિકરાને શ્રદ્ધાંજલિ પાઠવી.
સુરતનું આ બાળક ભારતનું સૌથી નાની વયે અંગદાન કરનાર પ્રથમ અને દુનિયાનું બીજું બાળક બન્યું છે. આ બાળકને કારણે છ બાળકોની જીંદગી ફરી ઉજાસ પામી છે. આ પરિવારનાં નિર્ણયને નતમસ્તક વંદન કરું છું