- 1 થી 5 જાન્યુઆરી સુધી માવઠું થવાની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરી
- ઉત્તરાયણે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા, લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકશે
ગુજરાતના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. 1થી 5 જાન્યુઆરી સુધી માવઠું થવાની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. આમ, 2023નો અંત અને 2024 ની શરૂઆત કમોસમી વરસાદ સાથે થવાની છે. કારણ કે, અરબ સાગરમાં ફરીથી મોટી હલચલ થવાની સંભાવના છે અને અરબ સાગરમાં તોફાન મચશે. જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી ત્રણ દિવસ અરબ સાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. જેથી આ સિસ્ટમ આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા સેવાઈ છે. સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 29 થી 30 ડિસેમ્બરમાં વેસટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળાના ઉપસાગરમા હલચલ થવાની શક્યતા છે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે કારણે બંગળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાન સુધી આવવાની શક્યતા છે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. જાન્યુઆરી 1 થી 5 દરમિયાનમાં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે. કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે કે, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે.