(માહિતી બ્યુરો,પાલનપુર )
દીપેશભાઈ પટેલ દ્વારા તામ્રપત્રોને જિલ્લા કલેકટરશ્રી અને અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી વરુણ કુમાર બરનવાલને સુપ્રત કરવામાં આવ્યા
જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા શ્રી યંત્રમાં વર્ણવેલા મંત્રોનું તામ્રપત્ર પર લેખન કરવામાં આવ્યું છે. જેને આજરોજ પાલનપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી વરુણ કુમાર બરનવાલને અર્પણ કરવામાં આવ્યા હતા. જે શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે સ્થાપિત વિશ્વના સૌથી મોટા શ્રી યંત્ર સાથે રાખવામાં આવશે.
શ્રુંગેરી મઠના આદિ શંકરાચાર્ય દ્વારા રચિત “તંત્ર રાજ તંત્ર” ગ્રંથમાં શ્રી વિદ્યાના ભાગરૂપે શ્રી યંત્ર નું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી યંત્રની દેવી લલિતાસુંદરીના વિવિધ દેવી સ્વરૂપનો એક એક મંત્ર લખવામાં આવેલો છે. આ પ્રાચીન અને દુર્લભ મંત્રોની પરંપરાને પુનઃજાગૃત અને પુનઃસ્થાપિત કરવાના ભાવ સાથે જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશભાઈ પટેલ દ્વારા તામ્રપત્ર પર કંડારવામાં આવ્યા છે.
તામ્રપત્ર પર શ્રી યંત્રના મંત્રોના લેખન દ્વારા અંબાજી ખાતે સ્થાપિત શ્રી યંત્રની ઐતિહાસિકતા અને પ્રાચીનતા સાથે ભારતીય આધ્યાત્મિક પરંપરાને જોડી આપણી સંસ્કૃતિની ધાર્મિક ધરોહરને સાચવી રાખવાનું અદભુત કાર્ય દીપેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટરશ્રી અને અંબાજી મંદિર ટ્રસ્ટના અધ્યક્ષશ્રી વરુણ કુમાર બરનવાલે પણ દીપેશભાઈ પટેલની મા અંબા પ્રત્યેની શ્રદ્ધા અને શ્રી યંત્ર પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ ને બિરદાવી હતી.
દીપેશભાઈ પટેલે આ પ્રસંગે પોતાની જાતને સૌભાગ્યશાળી ગણાવી મા અંબાની વિવિધ પ્રકારે સેવા પૂજા કરવાનો અનન્ય લ્હાવો મળ્યો તેને મા અંબાની કૃપા દ્રષ્ટિ ગણાવી હતી. તેમજ શ્રી યંત્ર અને તેના મંત્રોના મહત્વ વિશે જણાવતાં શ્રી યંત્રમાં વર્ણવેલા મંત્રોને તામ્રપત્ર પર લખી પ્રાચીન ધરોહરને અંબાજી ખાતે અર્પણ કરી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા તથા જય ભોલે ગ્રુપના ચિંતન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
૫૧ શક્તિપીઠમાં અંબાજી શક્તિપીઠ પ્રમુખ સ્થાન ધરાવે છે. જ્યાં જગતજનની મા અંબા હૃદયસ્થ છે. આથી શ્રી યંત્ર અને તેના દુર્લભ મંત્રો લાખો માઇભક્તોની શ્રદ્ધા આસ્થામાં વધારો કરશે અને શક્તિપીઠ અંબાજી ની આધ્યાત્મિક ઉર્જામાં નવી શક્તિનો સંચાર થશે જેનો લાભ લાખો માઇભક્તોને મળશે અને ભક્તોના કષ્ટ, સંકટ દૂર થઈ ભક્તોની સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થશે.