Ambaji Mandir: શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.12-9-2024 થી 18-9-2024 સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાનાર છે. રાજ્ય સરકારના શ્રી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સયુક્ત ઉપક્રમે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વિવિધ જિલ્લા કક્ષાની સમિતિઓ બનાવવામાં આવી છે.
જે અંતર્ગત આજરોજ મંદિર ટ્રસ્ટના વહીવટદારશ્રી અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીના અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિર ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિયુક્ત કન્સલ્ટન્ટશ્રી, સેપ્ટ યુનિવર્સિટીના સભ્યો અને સંલગ્ન અધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં આગામી ભાદરવી પૂનમના મહામેળાને અનુલક્ષીને યાત્રીલક્ષી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જેમાં પાર્કિંગ, ભોજન, સફાઈ, હંગામી બસ સ્ટેન્ડ જેવી બાબતો ઉપર વિગતવાર ચર્ચા કરી આયોજન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું.
બેઠકના અંતે અંબાજી થી દાંતા, હડાદ, ગબ્બરના માર્ગો પર સમગ્ર ટીમ સાથે રૂબરૂ સ્થળ મુલાકાત કરી જરૂરી વ્યવસ્થાઓ અને દિશાનિર્દેશ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં દાંતા પ્રાંત અધિકારી સુશ્રી સિધ્ધી વર્મા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડો.જિગ્નેશ ગામીત અને અન્ય સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા