શ્રી રાજનગર અમદાવાદની ધન્યધરા ગૌતમસ્વામી જૈન સંઘ વાસણાના પ્રાંગણે શ્રી ગુરૂપ્રેમના આજીવન ચરણોપાસક ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય કુલચંદ્ર સૂરીશ્વરજી કેસી મહારાજા આદિ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં કલ્યાણકારી ઉપધાન તપનો પ્રથમ ઝાઝરમાન પ્રવેશ રપ ઓક્ટોમ્બરના રોજ થયેલ.
પૂજ્યશ્રીની પાવનકારી નિશ્રામાં પરિવર્તનકારી ઐતિહાસિક ચાતુર્માસ આરાધનાઓ સિધ્ધિતપ સહિત અનેક તપારાધનાઓ ભારે હર્ષોલ્લાસ પૂર્વક યોજાઈ આજે સૌ ઉપધાનતપ આરાધકોનું આગમન થયેલ. સૌને પૂજ્ય ગુરૂભગવંતોએ વિધિ વિધાન સહ પ્રવેશ કરાવેલ. બાદમાં ઉપસ્થિત સૌ શ્રાવક-શ્રાવિકાઓ એ આરાધકોને અક્ષતથી વધાવેલ.
પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી કુલદર્શન વિજયજી મહારાજે ઉપધાનતપની આરાધનામાં ઓતપ્રોત થઈજવા પ્રેરણા કરેલ. અને જીવનમાં ઉપધાનતપનું કેટલું મહત્વ છે તે સમજાવેલ.
ઉપધાનતપના આરાધકોને વિનોદીનીબેન દિલીપભાઈ ડગલી પરિવાર દ્વારા કિટ અર્પણ કરવામાં આવી ત્યારબાદ સૌ આરાધકો તેમજ સંઘના સદસ્યો પૂજ્ય ગુરૂભગવંતની સાથે જીનાલયમાં દર્શન કરી વાજતે-ગાજતે મંડપમાં પ્રવેશ કરેલ. ત્યારબાદ પૂજ્ય તપાગચ્છાધિપતિશ્રી તેમજ પૂજ્ય ગચ્છાધિતિશ્રી ને ગુરૂવંદન કરી મંગલાચરણ સાથે વિધિ વિધાનનો પ્રારંભ કરવામાં આવેલ.
આરાધકો દ્વારા પરમાત્માને પ્રદક્ષીણા કરી શ્રીફળ અને અક્ષત અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી કુલદર્શન વિજયજી મ.સા.ના માર્ગદર્શન હેઠળ સૌ આરાધકોએ પૌષધ લીધો. જ્યારે ઉપસ્થિત સૌ પરિવારજનો તેમજ શ્રી સંધના સદસ્યો દ્વારા આરાધકોને વધાવવામાં આવેલ.
આ પ્રસંગે ચાતુર્માસના લાભાર્થી પરિવાર ના તરૂણભાઈ શાહ, પ્રિતેશભાઈ ગાંધી તેમજ સંધના પ્રમુખ ભાવેશભાઈ પાંચાણી, ખજાનચી કિરીટભાઈ શાહ, ગુરૂભક્ત ઉત્પલભાઈ શાહ, જીતુભાઈ શાહ, કમલેશભાઈ શાહ, કૃણાલભાઈ હેબ્રા, તુષારભાઈ શાહ, દિનેશભાઈ શાહ, વિપુલભાઈ શાહ આદી સંધના સદસ્યો ઉપસ્થિત રહેલા.