Ahmedabad Bomb Threat : અમદાવાદની ઘણી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. અમદાવાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે શાળામાં બોમ્બની ધમકીને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે.
ગુજરાતમાં આવતીકાલે ત્રીજા તબક્કા માટે મતદાન થવાનું છે. મળતી માહિતી મુજબ અમદાવાદની વિવિધ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓને ધમકીભર્યા મેલ મળ્યા છે. પોલીસ ધમકીભર્યા મેઈલની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ધમકી રશિયન મેઈલ આઈડી પરથી આપવામાં આવી હતી.
ઘાટલોડિયાના આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. બોમ્બની ધમકી બાદ પોલીસ અને બીડીડીએસની એક ટીમ પહોંચી અને તપાસ શરૂ કરી. બોમ્બ સ્કવોડની ટીમ પણ તપાસ કરી રહી છે. ઘાટલોડિયાની અમૃતા સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગની આર્મી કેન્ટોનમેન્ટ સ્કૂલને પણ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઈમે જણાવ્યું હતું કે સવારે આઠથી નવની વચ્ચે છથી સાત શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. ધમકીભર્યા ઈમેલનું ડોમેન વિદેશી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, PSI બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડના અધિકારી બી. યાદવે જણાવ્યું હતું કે, અમદાવાદની શાળાઓમાં હજુ સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાનું કોઈ કારણ નથી. ઘણી શાળાઓમાં શોધખોળ પૂર્ણ કરવામાં આવી છે. પોલીસ એલર્ટ મોડ પર કામ કરી રહી છે.