- કલેક્ટરની અધ્યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 તથા આગામી સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ
દેશભરમાં સ્વચ્છતા અભિયાને એક જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત 2.0 મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સેવાસેતુ કાર્યક્રમનો પણ નવો તબક્કો શરૂ કરવામાં આવનાર છે ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર પરિણામલક્ષી કામગીરી કરવા માટે સજ્જ છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં નિર્મળ ગુજરાત 2.0 તથા સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે તથા નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં સહભાગી થયા હતા.
નિર્મળ ગુજરાત 2.0 મિશન અંતર્ગત ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની વ્યવસ્થા જિલ્લાના તમામ ગામો અને નગરોમાં કરવા ઉપરાંત કચરાના કલેક્શન સમયે જ ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ કરવામાં આવે, એ બાબતની કાળજી લેવામાં આવે, એ માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા જિલ્લાના પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકાઓના ચીફ ઓફિસરો તથા સંબંધિત વિભાગોને તાકીદ કરવામાં આવી છે. સોલિડ વેસ્ટના યોગ્ય નિકાલ તેમજ લીક્વિડ વેસ્ટને ટ્રિટમેન્ટ કરીને જ છોડવામાં આવે, એવી વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે.
કલેક્ટરશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામ-નગરના માર્ગો તથા હાઇ-વે પર પણ સ્વચ્છતાની પૂરતી કાળજી લેવાય, તથા સતત દેખરેખ રાખવા માટે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કરાયો હતો. અમદાવાદ જિલ્લામાં આગામી સમયમાં સેવાસેતુ કાર્યક્રમનો નવમો તબક્કો યોજાશે. સેવાસેતુ કાર્યક્રમના આયોજનની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.