Gujarat News: ક્રાઈમબ્રાંચના અમદાવાદ પરિસરમાં જ એક 32 વર્ષીય મહિલા તબીબે પગમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધાની ચોંકાવનારી ઘટના બની છે. મહિલા તબીબ ઈકોનોમીક્સ ઓફેન્સ વીંગમાં કોઈ રજૂઆત કરવા માટે આવી હતી. જો કે તેને ધમકાવીને બહાર કાઢી મુકતા તેણે હતાશ થઈને અંતિમ પગલું ભર્યું હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મૃતક મહિલા બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હતી
ક્રાઈમબ્રાંચમાં આવેલા વસંત રજબ સ્મારક પાસેના બાકડા પર બુધવારે મોડી સાંજે એક મહિલા બેભાન હાલતમાં જોવા મળી હતી. જેથી પોલીસના સ્ટાફે તપાસ કરતા તેની પાસે ઈન્જેક્શન મળી આવતા કઈક શંકાસ્પદ જણાઈ આવ્યું હતું. જેથી તાત્કાલિક 108ના સ્ટાફને જાણ કરીને તપાસ કરવામાં આવતા મહિલા મૃત હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા મૃતક મહિલાનું નામ ડૉ. વૈશાલી જોષી હોવાનું ખુલ્યું હતું.
જે શીવરંજની પાસે પીજીમાં રહેતી હતી અને મુળ બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હતી. વધુ તપાસમાં વિગતો ખુલી હતી કે મહિલા ઇકોનોમીક્સ ઓફેન્સ વિંગ (EOW)માં અનેકવાર કોઈ રજૂઆત માટે આવતી હતી. પરંતુ, તેમની વાતને ધ્યાનમાં લેવામાં આવતી નહોતી. બુધવારે તે ક્રાઈમબ્રાંચ આવ્યા હતા.પરંતુ, પોલીસે તેમને ધમકાવીને કાઢી મુકતા તે હતાશ થઈને ક્રાઈમબ્રાંચના પરિસરમાં આવેલા બાંકડા પર બેઠા હતા અને આત્મહત્યા કરી હતી.
મૃતક મહિલા ડૉક્ટરના પર્સમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક મહિલા ડૉક્ટરના પર્સમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ સામે કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ મહિલાના આપઘાત પાછળ કારણ બાબતે પોલીસે મૌન સેવ્યું છે. આ ઉપરાંત મૃતક મહિલા અને પીઆઈ વચ્ચે પ્રેમ સબંધ હોવાની પણ ચર્ચા થઈ રહી છે, જો કે આપઘાતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. હાલ આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે.