અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. કાર વડોદરાથી અમદાવાદ તરફ આવી રહી હતી. અકસ્માત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો છે. 108 અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર કાર વડોદરાથી અમદાવાદ તરફ જતી હતી. તે સમયે આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા તાત્કાલિક રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જેના પગલે 108 ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ એક્સપ્રેસ હાઈવે ની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં જીવ ગુમાવેલ તમામ મૃતકોના મૃતદેહનુ પીએમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરાશે. ટ્રેલર સાથે અથડાયેલી કાર કિરણ ગીરીશભાઈ ભટ્ટના નામે હોવાનું સામે આવ્યુ છે.
રાજ્યમાં 2 દિવસ અગાઉ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા
બીજી તરફ બે દિવસ અગાઉ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા. તેમજ કેટલાંક લોકો ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યું હતુ. સુરેન્દ્રનગરમાં એક ટેલર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર બાદ આગ લાગી હતી. જેમાં બંને વાહનોના ડ્રાઇવરો ભડથું થતા મોત નીપજ્યું.