- જન સુનાવણી અભિગમ અંતર્ગત પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથે પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા સાથે નિરાકરણ
(માહિતી બ્યુરો,પાલનપુર)
પ્રજાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ થાય એ માટે
ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીએ એક નવતર અભિગમ તેમના મત વિસ્તારમાં હાથ ધર્યો છે. જન સુનાવણી કાર્યક્રમ અંતર્ગત પંચાયત થી લઈ પોલીસ સુધીના પ્રશ્નોના નિરાકરણ માટે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ એક જ સ્થળે એકત્ર થઈ વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે જન સુનાવણી કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં ડીસા તાલુકાના ગામડાઓ તેમજ શહેરી વિસ્તારના પ્રશ્નોને પદાધિકારીઓએ અધિકારીઓ સમક્ષ મુકયા હતા.
ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને મળેલ આ જન સુનાવણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે રોડ રસ્તા, નવા ગામ તળ નિમ કરવા, નવી આંગણવાડીના બાંધકામ, જંગલ કટિંગ, ટ્રાફિક સમસ્યા , ગટર સમસ્યા, પાણીની સમસ્યાઓ તેમજ ગામડાઓને જોડતા નવા રસ્તાઓ બનાવવા સહિતની રજૂઆતો પદાધિકારીઓએ કરી હતી. જન સુનાવણી કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓને આ મામલે ઝડપી નિરાકરણ લાવવા ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું.
ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીની આ નવતર પહેલને પદાધિકારીઓએ બિરદાવી હતી તેમજ આજ પ્રકારે અધિકારઓ અને પદાધિકારીઓ પ્રજાના પ્રશ્નો માટે સાથે મળી કામ કરતા રહેશે તો પ્રજાને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ થશે.
આ કાર્યક્રમમાં નાયબ કલેકટરશ્રી ડીસા, મામલતદારશ્રી ડીસા (શહેર), ડીસા(ગ્રામ્ય), ચીફ ઓફીસરશ્રી ડીસા નગરપાલિકા, ડીસા ઉત્તર, દક્ષિણ તથા રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ તેમજ સંગઠનના હોદેદારો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા