Swachh Bharat Mission : બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને નિર્મળ ગુજરાત અને સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦ની કામગીરી અન્વયે પાલનપુર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની એક દિવસીય સ્વચ્છતા જાગૃતિ વિષયક તાલીમ યોજાઈ હતી.જેમાં કચરા મુક્ત શહેર બનાવવા માટેની કામગીરીને સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા ૨૦૧૪ માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન ૧.૧ સમગ્ર દેશમાં સ્વચ્છતા, અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે. જેની સફળતાના આધારે, ભારત સરકારે ૨૦૨૬ સુધીમાં તમામ શહેરોને “કચરા- મુક્ત શહેરો” (GFCs) બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન-૨.૦ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની તાલીમ પાલનપુર ખાતે યોજાઈ હતી. જેમાં જિલ્લાની તમામ છ નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે તાલીમનું ઉદ્ઘાટન કરતાં સ્વચ્છતા લક્ષી કામગીરીને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા સ્ટ્રીટ વાઇઝ પ્લાનિંગ કરવા અને કચરાના ઢગલાને દૂર કરવા અનુરોધ કર્યો હતો. હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવેએ શહેરી વિસ્તારોની સફાઈ સાથે ગ્રામીણ વિસ્તારોની સ્વચ્છતા પર ભાર મુક્યો હતો. તેમણે સ્વચ્છતા અંગે લોકોનું બીહેવીયર ચેન્જ કરવાની સાથે ડોર ટુ ડોર કચરાના કલેક્શન કામગીરીને વધુ સઘન બનાવવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતા સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અપીલ કરી હતી.
આ તાલીમમાં પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદાર શ્રીઓ, તાલુકા વિસ્તરણ અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.