તારીખ 29 ડિસેમ્બરના રોજ પ્રદેશની બેઠક તેમજ તારીખ 30 ડિસેમ્બરના રોજ વિવિધ મોરચાની સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આવનાર કાર્યક્રમો તેમજ પ્રદેશની બેઠક અંગે આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે પત્રકારોને સંબોધન કર્યુ હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ અને પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનર ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ટુંક સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભા ચૂંટણી સંદર્ભે પક્ષની તૈયારીઓના ભાગરૂપે એક મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહજી અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં 29 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાશે.
આ બેઠક સવારે 9.30 કલાકે યોજાશે. બેઠકમાં કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કરેલા કામે જન જન સુઘી કેવી રીતે પહોંચાડવું સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે.
આ બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખઓ, જિલ્લાના પ્રભારીઓ,પ્રવકતા અને સહ પ્રવકતાઓ ઉપસ્થિત રહેશે તેમજ 30મી ડિસેમ્બરના રોજ પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં વિવિધ મોરચાના પ્રદેશના પદાધિકારીશ્રીઓ તેમજ ગુજરાતના રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે.