(માહિતી બ્યુરો,પાલનપુર)
નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોરોને પકડવા માટે નક્કર અને સંકલિત પગલાં લઇ અસરકારક કાર્ય કરવા માટે નિર્દેશો આપવામાં આવેલ છે. જે સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનાવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યાને નિયંત્રિત કરવા માટે ચર્ચા વિચારણ કરી જરૂરી સુચનો કર્યા હતા.
આ બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાંથી નગરપાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરને ગૌશાળા અને પાંજરાપોળમાં રાખવામાં આવે એ બાબતે ચર્ચા કરવા માટે સંચાલકો સાથે ટુંક જ સમયમાં બેઠક યોજવા માટે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. તેમજ નિયમિત રીતે ઢોર પકડવાની કામગીરી સુચારૂ રીતે થાય એ માટે યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ દરેક નગરપાલિકા પ્રમાણે અલગ જગ્યા સુનિશ્વિત કરી ઢોરને રાખવા માટે સુચન કર્યુ હતું. તેમજ નિર્દોષ લોકો રખડતા ઢોરનો ભોગ ન બને એની તકેદારી પશુપાલક અને જવાબદાર વિભાગ રાખે એમ જણાવ્યું હતું. અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ કહ્યું હતું.
વિવિધ નગરપાલિકા વિસ્તારમાંથી પકડવામાં આવતા રખડતા ઢોરને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં રાખવામાં આવે એવી વ્યવસ્થા નક્કી કરવા માટે અને આ સમસ્યા ગંભીર હોઇ સત્વરે યોગ્ય પગલાં લેવા ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ સિસલે, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર. એન. પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી કમલ ચૌધરી તથા નેહા પંચાલ, ચીફ ઓફિસરશ્રી નવનીત પટેલ તથા પંકજ બારોટ, આર.ટી.ઓ. શ્રી જે. કે. પટેલ, નાયબ પશુપાલક નિયામકશ્રી ર્ડા. જગદીશ મજેઠીયા ઉપસ્થિત રહ્યા હતા.