બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત કચેરી, સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત સદર બેઠકમાં સભ્યસચિવ અને પ્રાયોજના વહીવટદાર દેવાહુતિ (I.A.S) દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩/૨૪ માં તા.૨૯/૦૪/૨૦૨૩ ના રોજ યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.
આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ ની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ.૧૧૨૧.૪૫ લાખ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ. ૧૬૭.૨૬ લાખ મળી કુલ રૂ.૧૨૮૮.૭૧ લાખની સંભવિત જોગવાઈ સામે તાલુકાની તાલુકાવાર વસ્તી આધારિત જોગવાઈ મુજબ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મંજૂર કરાઈ હતી. જેમાં ૨ તાલુકાના આદિજાતિ વિસ્તારના રૂ. ૧૧૨૧.૪૫ લાખના ૨૮૭ કામો અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારના ૧૨ તાલુકાના કુલ રૂ.૧૬૭.૨૬ લાખના ૭૫ કામો મળી કુલ રૂ.૧૨૮૮.૭૧ લાખના ૩૬૨ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રએ જણાવ્યું હતું કે, તમામ કામો સમયમર્યાદામાં અને સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે. આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ્ટ ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવા સૂચન કર્યું હતું. આ સાથે બેઠકના છેલ્લા વર્ષના ૧૯ કામોમાં કરવામાં આવેલ ફેરફારની મંજૂરીને બહાલી આપવામાં આવી હતી તથા છેલ્લા 3 વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સર્વ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવિણભાઈ માળી, કેશાજી ચૌહાણ, સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેકટર મિહિર પટેલ, ઇ.ચા જિલ્લા વિકાસ અધિકારી સી.પી.પટેલ સહિત જિલ્લાના સબંધીત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.