- સભામાં ‘આપ’ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે સરકાર પર વાક પ્રહારો કર્યા
મહેસાણા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ઘર વિહોણા લોકો માટે મહારજુઆત સભાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. આ સભામાં ‘આપ’ ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તમામ ઘરવિહોણા લોકોને 2022 સુધી પોતાનું ઘરનું ઘર આપવાની વાત કરી હતી અને 2022નું વર્ષ પૂરું થયું તેમ છતાં પણ હજુ સુધી લોકોને તેમનું ઘર મળ્યું નથી. પ્રધાનમંત્રીએ પ્રજાને કરેલા વાયદા પ્રમાણે ઘરની ચાવી તો નથી આપી, પરંતુ ગુજરાત સરકારના મંત્રીઓને ભ્રષ્ટાચાર કરવાની ચાવી આપી છે.
અહીંયા અમે કોઈ રાજનીતિ કરવા માટે નથી આવ્યા, પરંતુ ઘર વિહોણા લોકોની માંગણીમાં અમે તેમને સમર્થન આપવા માટે આવ્યા છીએ. ઘણા લોકો મને કહેતા હતા કે આ કાર્યક્રમ કરવાથી શું હાજર રહેલા ઘરવિહોણા લોકોને અંદર તો નહીં કરી દેવામાં આવે ને? હું ખાતરીપૂર્વક કહું છું કે કોઈપણ લોકોને અંદર કરવામાં નહીં આવે, પરંતુ જો સરકાર મને અંદર કરવા માગતી હોય તો એમાં મારી પૂરી તૈયારી છે. સરકારે જે કરવું હોય તે કરી લે પરંતુ અમે આ લોકો માટે લડત આપવાનું છોડીશું નહીં. જ્યાં સુધી આ તમામ લોકોને ઘર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ લડવાની આપણી તૈયારી છે. આ સભામાં ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામની સાથે સાથે પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ડૉ.જ્વેલબેન વસરા, સંગઠન મંત્રી જયદીપસિંહ, જિલ્લા પ્રમુખ જયદેવસિંહ, સોનલબેન, વિજયભાઈ, જીતુભાઈ, લાલભાઈ, પાર્વતીબેન હાજર રહ્યા હતા.