(માહિતી બ્યુરો, પાલનપુર)
મગજ , કિડની , હાડકા, પેટ , હદય સહિતના રોગો ના ૬૦ જેટલા દર્દીઓની નિષ્ણાત તબીબો દ્વારા સારવાર કરાઈ: ૪૫૦ દર્દીઓ એ ઓપીડી સારવાર મેળવી
ગુજરાત સરકાર ની વિવિધ યોજના જનજન સુધી છેવાડા ના માનવી સુધી પહોચે તે માટે આરોગ્ય મેળા અને મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા.૭ મી નવેમ્બર ના રોજ જી સી એસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા આધશકિત જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પ તેમજ બિનચેપી રોગનો એનસીડી કેમ્પ યોજવામાં આવ્યો હતો.
જેમાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા વિવિધ પ્રકારના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી. તેમજ આયુષ્યમાન કાર્ડ હેઠળ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યા હતા. અંબાજી અને આજુબાજુના વિસ્તારને બિનચેપી રોગો વિશે માહિતગાર તેમજ સારવાર આપી શકાય આ વિસ્તારમાં બીપી અને ડાયાબિટીસ અને હૃદય રોગ વિશે જાણકારી આપી શકાય જેથી દર્દી જાતે યોગ્ય જીવનશૈલી, યોગ અને ખોરાકમાં ધ્યાન આપે તો બિનચેપી રોગ નિવારી શકાય તેમજ યોગ્ય સારવારથી તેના ભવિષ્યના કોમ્પ્લિકેશન થી બચી શકાય તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બંને કેમ્પમાં હોસ્પિટલ અધિક્ષકશ્રી વાય.કે મકવાણા સહિત તમામ ડોકટર, સ્ટાફ નર્સ, લેબોરેટરી વિભાગ, દવા વિભાગ, વહીવટી સ્ટાફ અન્ય વર્ગ 3 અને 4 ના સ્ટાફે પોતાના ફરજ અને સેવાના હેતુથી બંને કેમ્પ ને સફળ બનાવ્યા હતા. NCD કેમ્પમાં ડો બોની અગ્રવાલ મેડીસીન અને ડો ચિરાગ ભાટિયાએ સેવા આપી હતી.
કેમ્પ અંતર્ગત ઓપીડીમાં 450 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લઇ સંતોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે હૃદય રોગ, કિડની, મગજના, હાડકાના સ્પેશિયાલિસ્ટ અને પેટના રોગના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ૬૦ દર્દીઓની તપાસ સારવાર કરવામાં આવી હતી. કેમ્પમાં ભાગ લેનાર દર્દી તેમજ સગાએ પણ હોસ્પિટલ ની સેવા ને બિરદાવી હતી અને લાભ લીધો હતો.