- પિટુનિયા,ગજેનિયા,બિગોનિયા,તોરણીયા જેવા દેશ-વિદેશના ફૂલો બન્યા આકર્ષણનું કેન્દ્ર
- 15મી જાન્યુઆરી સુધીમાં 10 લાખથી વધુ લોકો ફ્લાવર શોની લઈ શકે છે મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ Bhupendra Patel ના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024’નું ઉદ્ઘાટન કરાયું હતું. આ ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’માં વિવિધ પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદીઓ મન મૂકીને ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024’નો આનંદ માણી રહ્યાં છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ 11માં ‘વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-2024’માં વિવિધ થીમ આધારીત પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટી, વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર, મોઢેરાના સૂર્ય મંદિર,ચંદ્રયાન-3, નવું સંસદભવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશ-વિદેશના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા અને સાત લાખથી વધુ રોપા દ્વારા બનાવાયેલ 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ફ્લાવર શો ની મુલાકાત લેતા મુલાકાતી નમ્રતા જીગર પટેલ જણાવી રહ્યા છે કે, મને અહીંયા આવીને એટલી મજા આવી છે, એટલા સરસ-સરસ ફ્લાવર્સ છે. .છોકરાઓને પણ જોઈજોઈને મજા આવે છે. હેરીટેજ જે બનાવ્યું છે, એ સરસ છે બધાયે એક વખત જોવા જેવું છે, બધા જ અહિંયા આવે ખૂબ સરસ નજારો છે.
જયારે અન્ય એક બાળક મુલાકાતી દેવર પટેલ જણાવી રહ્યા છે કે, મને અહિંયા ફ્લાવર્સ જોઈને બહું મજા આવી છે, સરદાર વલ્લભભાઈ પટેલ, મિક્કીમાઉસ એવી બધી જ વસ્તુઓ બહું છે, અહીયા ક્રુઝ પણ છે જેમાં તમે ખાવાનું પણ ખાઈ શકો. ભીડ પણ બહું છે પણ અમને ટીકીટ લેતા બહું વાર નથી લાગી, બઉ સારુ છે.
ડાયરેક્ટર – પાર્ક એન્ડ ગાર્ડન AMC, અમદાવાદના જીજ્ઞેશ પટેલ જણાવી રહ્યા છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત 11માં ફ્લાવર શો માં મુલાકાતીઓ અલગ-અલગ પ્રકારે ફુલોથી માહિતગાર થાય અને જુદી-જુદી પ્રતિકૃતિઓથી આકર્ષિત થાય તે માટે હેરીટેજ વડનગરના કિર્તિતોરણની પ્રતિકૃતિથી ચાલુ કરી અને ચંદ્રયાન સુધીની કલાકૃતિઓ ફુલોના રોપા સાથે પ્રદર્શિત કરવામાં આવેલ છે. અહિંયા 15 લાખ કરતા વધુ રોપા દ્વારા એક ફ્લાવર બેડ બનાવવામાં આવેલ છે. 400 મીટર લાંબી ફ્લાવર સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવેલ છે. 15 તારીખ સુધીમાં 10 કરતા વધુ મુલાકાતીઓ અહીં મુલાકાત લે તેવી એક સંભાવના છે.