(માહિતી બ્યુરો, પાલનપુર)
- ધારાસભ્યોના પ્રશ્નો પરત્વે પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી
- પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંકલન અને સ્થળ વિઝીટ ભાર મુકતા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલ
Palanpur News : જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.
Palanpur News
કલેક્ટરશ્રી વરુણકુમાર બરનવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી, રોડ રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ વિઝીટ કરવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત બેઠકમાં આગામી 15 મી ઓગષ્ટની ઉજવણી, વન મહોત્સવની ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું.
બેઠકમાં સાંસદશ્રી ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી અનિકેત ઠાકર, શ્રી પ્રવીણભાઇ માળી, શ્રી અમૃતજી ઠાકોર, શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી, તથા માવજીભાઈ દેસાઇ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઇ હતી.
જેમાં જમીન માપણી/ રીસર્વે, જમીનનું ફિઝિકલ વેરિફિકેશન, શાળામાં ઓરડાઓની ઘટ, નવા ઓરડાઓની મંજૂરી, જર્જરિત શાળાઓ, આંગણવાડીના નવીન મકાન/ રીનોવેશન, મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર પૂરો પાડવામાં આવતા અનાજના જથ્થામાં ગુણવત્તા બાબતે, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ બાબતે, તેમજ પાલનપુર એરોમા સર્કલ પાસેના બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર, સુજલામ સુફલામ કેનાલોની સફાઈ અને ગેરકાયદે ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓએ સાથે મળી સલામતીના પગલાં લેવા સજ્જતા દાખવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે દવે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.