(માહિતી બ્યુરો,પાલનપુર)
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓએ પૂછેલા પ્રશ્નોના પાઠવેલ જવાબો પરત્વે અને જિલ્લાના વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો બાબતે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓએ તૂટેલા રસ્તાઓનું નવીનીકરણ, કાચા રોડને પાકા બનાવવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના બાંધકામ, દિયોદર રેલવે બ્રિજની કામગીરી, જિલ્લામાં શિક્ષકોની ઘટ, સ્વચ્છતા વિષયક બાબત, પી.એમ કિસાન સન્માન નિધિ યોજના સહિત નર્મદા વિભાગને લગતા પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી.
કલેકટરશ્રીએ ધારાસભ્યશ્રીઓને એમના પ્રશ્નોના જવાબ સમયસર મળી જાય એ માટે અધિકારીઓને સૂચના આપી હતી. સંકલનની બેઠકમાં કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રિવ્યુ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી ગેનીબેન ઠાકોર, શ્રી અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમાર સિંઘ, મદદનીશ કલેકટરશ્રી સ્વપ્નિલ સિસ્લે, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી આર.એન.પંડ્યા સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.