Palanpur New: પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યશ્રીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નો મામલે વિગતે સંબંધિત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ ધારાસભ્યશ્રીઓ દ્વારા આ બેઠકમાં ચર્ચવામાં આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે ધ્યાન આપી એનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
આ બેઠકમાં નવા રસ્તાઓની મંજૂરી, રસ્તાઓનું સમારકામ, સર્કલોનું નવીનીકરણ, ડ્રેનેજ સિસ્ટમ, પહોળા સર્વિસ રોડ જેવા માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નો, નવા તળાવોની મંજૂરી અને તેમાં પાઈપલાઇનથી પાણી ભરવા, કેનાલોની સફાઈ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત, પાણી પુરવઠા જેવા વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પાલનપુરના એરોમા સર્કલનું કામ ઝડપથી પૂર્ણ કરવા, રસ્તા અને ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા જેવા નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. નવી આયુર્વેદિક હોસ્પિટલ માટે જગ્યા ફાળવણી, જી.આઈ.ડી.સી.ને લગતા પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી, ફાયર સેફ્ટીની અમલવારી જેવા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી કેશાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઇ ઠાકર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી માવજીભાઈ દેસાઈ, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, TASP – પ્રાયોજના વહીવટદારશ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સી.પી.પટેલ, મદદનીશ કલેક્ટરશ્રી કાર્તિક જીવાણી, નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમાર સિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ સહિત સંકલન સમિતિના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા