અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું ૫૩મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું. બે દિવસ સુધી ચાલનારા આ અધિવેશનમાં રાજ્યભરના ૩૨૦૦ થી વધુ આચાર્યઓનું ડેલીગેશન અંબાજી ખાતે પધાર્યું છે. ગુજરાતના શિક્ષણવિદો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તથા શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના આચાર્યઓના અધિવેશનનું આયોજન કરાયું છે.
૫૩માં અધિવેશનનો પ્રારંભ કરાવતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ માટે પોતાના સામર્થ્યનું રોકાણ કરતો શિક્ષક દુનિયાનો સૌથી સન્માનિત વ્યક્તિ છે. શિક્ષકો પોતાના જીવન કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓનો પ્રેમ કમાય છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણ માટે મહેનત, જિજ્ઞાસા અને સંસ્કાર થકી શિક્ષણની ભૂમિકા અગ્રેસર રહેવાની છે. એક શિક્ષક પોતાના જીવનકાળ દરમિયાન સમયની સાથે હંમેશાં નવું શીખતો રહે છે. સતત ચિંતન અને મનન તથા વિવિધ વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તે માટે આ મુજબના અધિવેશન જરૂરી છે.
શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરએ જણાવ્યું કે, આચાર્યના પગારના ઇજાફા, બચત રજાઓનું રોકડમાં રૂપાંતરણ, શિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય, પગારની વિસંગતતા દૂર થાય, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શાળાઓમાં શરૂ કરવા સહિત નવી શિક્ષણનીતિ અનુસાર વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી થકી વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખ મળી છે. શિક્ષણમાં નવીનતા માટે ડિજિટલ સિસ્ટમ અપગ્રેડ થઈ રહી છે. રાજ્ય અને દેશના વિદ્યાર્થીઓ ટેકનોલોજી સાથે વૈશ્વિક સ્પર્ધાઓમાં ટકી રહે તે માટે નવી શિક્ષણ નીતિમાં સુધાર કરાયો છે.
મંત્રીએ નવી શિક્ષણનીતિના વિવિધ મૂલ્યો વિશે વાત કરી હતી. જેમાં તેમણે સમગ્રતા અને સમતુલ્યતા, સમાનતા, ગુણવત્તા, શૈક્ષણિક સંસાધનો તમામ વર્ગો માટે ઉપલબ્ધ કરાવવા, આનંદમય અને રસપ્રદ શિક્ષણ, લચીલાપણું, વૈવિધ્યતા, નૈતિકતા અને જીવનમૂલ્યો, પરિશ્રમ અને સમર્પણ, ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી. આ સાથે મંત્રી અને મહાનુભાવોએ શિક્ષણ વિભાગના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ અધિવેશનમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું કે, જે રીતે ખેડૂત પોતાના પાકના બીજને માવજત કરે છે તેમ આપણા આચાર્યઓએ સ્કૂલના નબળા વિદ્યાર્થીઓ પાછળ વધુ મહેનત કરવી જોઈએ. શાળા કક્ષાએ આચાર્યની ભૂમિકા ખાસ મહત્વની રહેતી હોય છે. રાજ્યના શિક્ષણમાં નવીનતા અને સંશોધન માટે રાજ્ય સરકાર હર હંમેશા કામ કરી રહી છે.
આ અધિવેશનમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ જણાવ્યું કે, સમાજમાં ચેતના અને જાગૃતિ ફેલાવવાનું કામ શિક્ષકો કરે છે. આવનાર પેઢીમાં યોગ્ય સંસ્કારનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી રાજ્યના શિક્ષકોએ કામ કરવું જોઈએ. સરકારએ શિક્ષણના સ્તરમાં વધારો કરવા તથા વૈશ્વિક સ્પર્ધાઓમાં આપણા વિદ્યાર્થીઓ ટકી રહે તે હેતુથી નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે.
આ અધિવેશનમાં પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, રાજ્ય શિક્ષણ કર્મચારી મંડળના પ્રમુખઓ સહિત વિવિધ મંડળના પ્રમુખઓ, હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતા.