- શાળાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓની મિલીભગતનો પણ આક્ષેપ
- જે પણ શાળાઓનું આ કૃત્ય છે, તે શાળાઓ પર તપાસ થવી જોઈએ: આપ નેતા રાકેશ હિરપરા
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરાએ વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું કે અમદાવાદમાં RTE દ્વારા પ્રવેશ પામેલા 90,000 બાળકોમાંથી 5000 બાળકો શાળાની ભૂલના કારણે મળવાપાત્ર આર્થિક સહાયથી વંચિત રહી ગયા. આપણે જાણવું જોઈએ કે આ કઈ શાળાઓ હતી? આપણે વારંવાર જોઈએ છીએ કે RTE દ્વારા પ્રવેશ પામેલા બાળકોને ખાનગી શાળાઓ દ્વારા પ્રતાડિત કરવામાં આવે છે અને માનસિક રીતે પણ ટોર્ચર કરવામાં આવે છે. સાથે સાથે આ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન પણ કરવામાં આવે છે.
5000 બાળકોની સંખ્યા ખૂબજ મોટી કહેવાય. આ 5000 બાળકોની જે જે પણ શાળા છે તે શાળાઓ પર તપાસ થવી જોઈએ કે એના શું કનેક્શન છે અને સરકાર દ્વારા પૈસા આપવાના છે તેમ છતાં પણ શા માટે તેઓ આટલો દ્વેષ ભાવ રાખે છે? ગુજરાતની ભાજપ સરકાર જેટલી પણ જન કલ્યાણકારી યોજનાઓ છે તેને કોઈપણ રીતે ખતમ કરવા માંગતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એમાનો એક આ RTEનો કાયદો છે. ધીરે ધીરે RTEના કાયદાને કડક બનાવવામાં આવે છે, જેના કારણે ગરીબ માણસ તેનો લાભ જ ન લઈ શકે. અને આ તમામ કામોમાં શાળાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓની મિલીભગતનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ 5000 બાળકોનો આંકડો ફક્ત એકલા અમદાવાદ શહેરનો છે, તો સમગ્ર ગુજરાતના બીજા નાના-મોટા શહેરો અને ગામડાઓમાં કેટલા મોટા પ્રમાણમાં આવા કૃત્યો થતા હશે? તો આમ આદમી પાર્ટીની માંગણી છે કે આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ અને RTE જે ગરીબ બાળકો માટે બનેલો કાયદો છે તેનો નિયમ અનુસાર પાલન થવું જોઈએ.