Gujarat News: આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગઈકાલે પટેલ પરિવાર સુરતથી વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે રોડની સાઇડમાં ઊભેલા કન્ટેનરમાં કાર ઘૂસી ગઈ હતી. જેમાં 1 વર્ષના બાળક સહિત 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જોકે, આ અકસ્માતમાં 4 વર્ષની બાળકી અસ્મિતા પટેલનો ચમત્કારિક બચાવ થયો છે.
મૃતકના મિત્ર દિલીપભાઈએ જણાવ્યું કે, “ભરૂચ પાસે આવેલા નિકોરા ગામે મૂળ વતને ભાગે ખેતી આપી છે તેની દેખરેખ માટે ગયા હતા. રિટર્ન આવતી વખતે અકસ્માત થયો હતો. હું પણ સાથે ગયો હતો. અમે આગળ નીકળી ગયા પછી જાણ થઈ કે, પાછળ અકસ્માત થયો છે.
રિટર્ન આવીને જોયું તો અમારા મિત્રની કારનો અકસ્માત થયો હતો. એક બાળકી જીવિત છે. તેનું ભવિષ્ય સુધરે તે માટે અમે પ્રયત્ન કરીશું.”
આ અકસ્માત અંગે જાણ કરાતા મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે આવી ગયો હતો. પોલીસે જણાવ્યા મુજબ આ અકસ્માતમાં પ્રજ્ઞેશભાઈ પટેલ (34 વર્ષ), મયુરભાઈ પટેલ (30 વર્ષ), ઉર્વશિબેન પટેલ (31 વર્ષ), ભૂમિકાબેન પટેલ (28 વર્ષ) અને લવ પટેલ (1 વર્ષ)નું મોત થયું છે.