ચૂંટણી ગમે તે હોય હું મતદાન અવશ્ય કરું છું:-શતાયુ મતદાર ભીખીબેન સોમાભાઈ ચૌધરી
*ચૂંટણીપંચ દ્વારા શતાયુ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા
*ચૂંટણી ગમે તે હોય હું મતદાન અવશ્ય કરું છું આ શબ્દો છે ચડોતર ગામના શતાયુ મતદાર ભીખીબેન ચૌધરીના. દેશમાં જ્યારે લોકશાહીનું મહાપર્વ એવા લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાન કરવા માટે પ્રેરણા પુરી પાડી રહ્યા છે શતાયુ મતદાર
ભીખીબેન સોમાભાઈ ચૌધરી. આઝાદી બાદની તમામ ચૂંટણીઓમાં તેમણે પોતાનો મત આપ્યો છે અને આજે સો વર્ષે લોકસભાની ચૂંટણીમાં પોતાનો મત આપવા ઉત્સાહિત છે.
પાલનપુર તાલુકાના ચડોતર ગામના ભીખીબેનની મુલાકાત લેતાં તેમણે જણાવ્યું હતું કે મેં તો જીવનમાં કેટલીય તડકી છાંયડી જોઈ છે. આઝાદી પહેલાંથી માંડી આઝાદી પછીના અત્યાસ સુધીનું જીવન જીવ્યું છે. ગ્રામ પંચાયતથી માંડી ગમે તે ચૂંટણી હોય મેં હંમેશા મત આપ્યો છે. મારો મત બાતલ નથી જવા દીધો. આ વખતે પણ હું અવશ્ય મત આપીશ.
લોકશાહીના અમૂલ્ય અવસર ચૂંટણી પર્વમાં દરેક નાગરિકને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આગામી ૭ મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ૨૫,૫૧,૬૦૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જેમાં ૪૬૦ શતાયુ મતદારો પણ મતદાનની પવિત્ર ફરજ અદા કરી અન્ય માટે પ્રેરણારૂપ બનશે. જિલ્લામાં સૌથી વધુ ડીસામાં ૭૦ શતાયુ મતદાર નોંધાયેલા છે. જ્યારે સૌથી ઓછા ૩૩ શતાયુ મતદાર વડગામ વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયા છે.
શતાયુ મતદારોના મતદાન માટે ખાસ વ્યવસ્થા
આ વખતે ચૂંટણીપંચ દ્વારા શતાયુ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે બુથ લેવલ ઓફિસર દ્વારા તેમની સંમતિ મેળવી તેમના ઘરે જ બુથ ઉભું કરવામાં આવશે જ્યાં ચૂંટણી અધિકારી અને નિરીક્ષકોની ઉપસ્થિતિમાં શતાયુ મતદારો મતદાન કરી શકશે.
વિધાનસભા મત વિસ્તાર મુજબ શતાયુ મતદારોની સંખ્યા*
વિધાનસભા સ્ત્રી પુરુષ કુલ
૭- વાવ – ૬ ૪૧ ૪૭
૮- થરાદ – ૩ ૩૯ ૪૨
૯- ધાનેરા – ૧૦ ૫૩ ૬૩
૧૦- દાંતા – ૨૦ ૪૫ ૬૫
૧૧- વડગામ- ૭ ૨૬ ૩૩
૧૨- પાલનપુર – ૧૬ ૩૩ ૪૯
૧૩- ડીસા – ૧૯ ૫૧ ૭૦
૧૪- દિયોદર – ૬ ૪૧ ૪૭
૧૫- કાંકરેજ – ૪ ૪૦ ૪૪