- કોંગ્રેસ સેવાદળના ૧૦૦માં સ્થાપના દિનની ઉજવણી
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ૧૩૯માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના ૧૦૦માં સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, અહંકારી, જુલ્મી અંગ્રેજ શાસન સામે ‘ભારત છોડો’ આંદોલન અને આજે તાનાશાહી, જોહુકમી વધી રહેલી આર્થિક અસામાજીક, અસમાનતા, બેરોજગારી, ધૃણા, નફરતને ખતમ કરવા અને પ્રેમ મહોબ્બત, ભાઈચારા માટે “ભારત જોડો યાત્રા” થકી ભારત નિમાણમાં સતત-કાર્ય કરતો સૌથી જુના ‘રાજકીય પક્ષ’ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ ૧૩૮ માં વર્ષ પૂર્ણ કરી ૧૩૯ વર્ષમાં પ્રવેશ કર્યો છે, સેવા, સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ ૧૮૮૫ થી અનેક ચડાવ – ઉતાર, સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા, સમાનતાના સિધ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજદિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરી. આ કોંગ્રેસની વિચારધારા છે. જેને આઝાદ ભારતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું.
બંધારણમાં દરેકને વાણીની સ્વતંત્રતા, વિચારોની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથેસાથે ધર્મ, જાતિ, પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે, દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ, સૌનો દેશ પર અધિકાર છે. આટલા વર્ષોના શાસનોમાં કોંગ્રેસપક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યો અને અનેક વાર વિપક્ષમાં પણ રહ્યો તેમ છતા પણ હંમેશા જ્યારે દેશનાં એકતા અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતીથી ઉપર ઉઠી દેશને પહેલુ પ્રાધાન્ય આપ્યું છે. કોંગ્રેસ પક્ષ માટે ‘તિરંગો’ હમેશા પ્રથમ રહ્યો છે. દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું.
‘જયજવાન જય કિસાન’ નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. આ દરમ્યાન આર.ટી.આઈ. (માહિતીનો અધિકાર), આર.ટી.ઈ. (શિક્ષણનો અધિકાર), આર.ટી.એફ. (અન્નનો અધિકાર), મનરેગા (રોજગારનો અધિકાર), દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું છે. રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એજ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે. રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ એ દરેક કોંગ્રેસ જનના લોહીમાં વહે છે.
આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસ જનના ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે. રાષ્ટ્રધ્વજને અસ્વિકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એજ વિચારધારાની જીત છે અને આજ કડીમાં શ્રી રાહુલ ગાંધી સમગ્ર દેશમાં ‘ભારત જોડો યાત્રા’ કરી હતી અને તેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને દેશના નાગરિકોને સામાજીક, આર્થિક અને રાજકીય ન્યાય માટે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત ન્યાય યાત્રા’ શરૂ થઈ રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા જણાવ્યું હતું સંવૈધાનીક અધિકારોના હનન થાય, કોઈપણ નાગરીકને અન્યાય થાય, જ્યારે પણ કોઈ ધર્મ, જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે, હરહંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે. અંગ્રેજોનું અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતુ હતુ, લોકોનો અવાજ દબાવવો લોકોની સ્વતંત્રતા છીનવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે સંદેશો પાઠવતા જણાવ્યું હતું કે, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે, આપણે એ પક્ષ સાથે જોડાયેલા છીએ જેણે દેશની આઝાદી માટે અંગ્રેજોની લાઠી-ગોળી સામે લડાઈ લડી શહિદી વ્હોરી અને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી સાથે દેશ માટે કામ કર્યું. મોટી સંખ્યામાં દેશ માટે સેવાની સાધનાના યજ્ઞમાં જોડાયા ત્યારે ૧૩૮ વર્ષ પુર્ણ કરી ૧૩૯ વર્ષમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ પ્રવેશ કરવા બદલ કોંગ્રેસ પક્ષના પરિવારજનો-કાર્યકર્તાઓ-સ્નેહીશ્રીઓને શુભકામનાઓ પાઠવું છું અને આ સેવાની સાધનાના યજ્ઞમાં આપણે સૌ જોડાઈ ભારત નિર્માણ માટે અવિરત પણે કાર્ય કરતા રહીએ તેજ સાચો સંકલ્પ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણીમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, પ્રદેશ કોંગ્રેસના કા.પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય ઈમરાનભાઈ ખેડાવાલા, સેવાદળના કા.અધ્યક્ષ કિરણભાઈ પ્રજાપતિ, વરિષ્ઠ આગેવાન બાલુભાઈ પટેલ, ખુરશીદ સૈયદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, ગુજરાત પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મહામંત્રી બળદેવ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ઈકબાલ શેખ, પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર, એસ.સી. સેલના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર, પ્રવક્તા હિરેન બેંકર, પાર્થિવરાજસિંહ કઠવાડીયા, રત્નાબેન વોરા સહિત સેવાદળ અને દરેક ફ્રન્ટલ સેલના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં જોડાયા હતા અને કોંગ્રેસ પક્ષના બહુમુલ્ય યોગદાનને યાદ કર્યું હતું.