સુરેન્દ્રનગર ખાતે વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાની ઉપસ્થિતિમાં રૂપિયા ૨.૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત નેક્ષ્ટ જનરેશન સેમી અર્બન સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર શહેરમાં સુવિધાયુક્ત નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થવાથી પોલીસ વિભાગને વધુ સારી સવલતો મળશે. ગુજરાત પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષા માટે સતત કાર્યરત છે. 24 કલાક સતત લોકોની સેવા કરીને પોલીસ વિભાગ ઉમદા કામગીરી કરી રહ્યો છે. વધુમાં ધારાસભ્યએ ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ક્રાઇમ રેટ ઘણો ઓછો છે. આજે ગુજરાતમાં ગુન્હાખોરીનું પ્રમાણ ઘટયું છે. આ પ્રસંગે ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ કોરોનાકાળમાં પોલીસ વિભાગે લોકોની સેવા કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ જણાવી પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.આ તકે નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય અને જિલ્લા સરકારી વકીલશ્રી એમ.પી. સભાણીએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ખેડા- નડિયાદ ખાતેથી ગૃહમંત્રીઅમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે સ્વાગત પ્રવચન કર્યું હતું અને પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરીએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, શંકરભાઈ વેગડ, ધનરાજભાઇ કૈલા, અનિરુદ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, દુધરેજ વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામ બાપુ અને સંતો તેમજ નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલા, મદદનીશ પોલીસ અધિક્ષક શિવમ વર્મા અને નાયબ પોલીસ અધિક્ષકએચ.પી.દોશી સહિત શહેરના શ્રેષ્ઠીજનો ઉપસ્થિત રહ્યા હતા.