ધોરણ-10 ના જાહેર થયેલા પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાંથી સૌથી વધુ 75.64 ટકા અને સૌથી વધુ એ-1 ગ્રેડ 2532 વિદ્યાર્થીઓ સાથે સુરત રાજયમાં ટકાવારી અને એ-1 ગ્રેડમાં અવ્વલ નંબરનું સ્થાન મેળવ્યુ છે.આ પરિણામમાં સુરતના વરાછા કેન્દ્રનું સૌથી વધુ 86.58 ટકા અને સૌથી ઓછુ ભાગળ કેન્દ્રનું 43.38 ટકા આવ્યુ છે. એ-1 ગ્રેડની સ્કુલોમાં એકવાર ફરી જાણીતી સ્કુલોના દબદબો જોવા મળ્યો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષ-૨૦૨૧ માં કોરોનાના કારણે માસ પ્રમોશન આપ્યુ હોવાથી ૧૦૦ ટકા પરિણામ આવવાની સાથે એ-૧ ગ્રેડમાં ૨૯૯૧ વિદ્યાર્થીઓ આવ્યા હતા. આ વર્ષે માર્ચ મહિનામાં ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષાઓ લેવાઇ હતી. સુરત કેન્દ્રમાં નોંધાયેલા કુલ ૮૦૧૪૧ વિદ્યાર્થીઓમાંથી ૭૯૭૩૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજના પરિણામમાં સુરત કેન્દ્રનું ૭૫.૬૪ ટકા આવ્યુ હતુ. જેમાં એ-૧ ગ્રેડમાં ૨૫૩૨ અને એ-૨ માં ૯૨૭૪ વિદ્યાર્થીઓ ઉર્તીણ થયા હતા. સુરતના અલગ અલગ કેન્દ્રોની વાત કરીએ તો વરાછા કેન્દ્રનું સૌથી વધુ ૮૬.૫૮ ટકા અને સૌથી ઓછુ ભાગળ કેન્દ્રનું ૪૩.૩૮ ટકા આવ્યુ હતુ.કોરોનાના કારણે ગત વર્ષે સુરત કેન્દ્રનું ૧૦૦ ટકા પરિણામ આવ્યુ હતુ. જયારે ૨૦૨૦માં સુરત કેન્દ્રનું ધોરણ-૧૦ નુ પરિણામ ૭૪.૬૬ ટકા નોંધાયુ હતુ. જયારે આ વર્ષ ૨૦૨૨ માં ૭૫.૬૪ ટકા આવતા ૧ ટકા પરિણામ વધુ આવ્યુ છે. આ વર્ષે સુરત કેન્દ્ર આખા રાજયના તમામ કેન્દ્રોમાં ટકાવારીની દષ્ટિએ સૌથી વધુ ૭૫.૬૪ ટકા અને સૌથી વધુ એ-૧ ગ્રેડમાં ૨૫૩૨ વિદ્યાર્થીઓ મેદાન મારી જતા રાજયમાં સુરત કેન્દ્રએ મોખરાનું સ્થાન મેળવ્યુ છે. આ એ-૧ ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા જોઇએ તો વરાછાની આશાદીપ ગુ્રપ ઓફ સ્કુલના ૨૪૧, પી.પી.સવાણી ગુ્રપ ઓફ સ્કુલના ૧૬૪, ગજેરા ગુ્રપ ઓફ સ્કુલના ૧૦૫, જે.બી. એન્ડ કાર્પના ૯૧, સંસ્કાર ભારતી ( પા.પાટીયા)ના ૫૦, વશિષ્ઠ વિદ્યાલય વાવના ૫૦, સ્વામિનારાયણ ગુરુકુળ ના ૪૪, ભૂલકા ભવન સ્કુલના ૪૨, મૌની ઇન્ટરનેશનલ સ્કુલના ૩૭, સંસ્કારદીપ વિદ્યાસંકુલ ( મોટા વરાછા) ના ૨૩, શારદાયતન સ્કુલના ૧૬, નોબલ પબ્લીક સ્કુલ ( પુણા ) ના ૧૬, પ્રેસીડન્સી સ્કુલ ( પા.પા)ના ૧૨ સહિત અનેક સ્કુલોના વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં આવ્યા હતા.