મોટી સંખ્યામાં સ્ત્રીઓએ વેક્સિનેશન ટોકન માટે પડાપડી કરી.
સુરતમાં 45થી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે વેક્સિનેશન આજે બંધ, આવતી કાલે જથ્થો આવશે તો વેક્સિનેશન થશે.
સુરત વહીવટી તંત્ર દ્વારા આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે.
45થી વધુ ઉંમરના લોકો માટે રસી નો બીજો ડોઝ માટે પણ રસી નહીં હોવાથી આજે (મંગળવાર) તમામ રસી કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે. સુરતના ભીમપોર વિસ્તારમાં રસીકરણના ટોકન માટે આજે રીતસરની પડાપડી થઈ ગઈ હતી. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂંટવી લેતા જોવા મળ્યા હતા. જેના દ્રશ્ય એટલા ભયાવહ હતા કે કોવિડ સંક્રમણ આવી સ્થિતિમાં કેવી રીતે અંકુશમાં આવી શકે તે એક મોટો પ્રશ્ન છે.
ભારતમાં કોરોના સ્થિતિને જોઈ અમેરિકાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય…
રસી લેવા લોકોની પડાપડી:
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ માટે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી જે રીતે રસી નું શું પરિણામ આવ્યું છે તે જોતા લોકોનો વિશ્વાસ પણ તેમાં ખૂબ મોટા પ્રમાણમાં વધ્યો છે. પરિણામે લોકો હવે રસીકરણ માટે પડાપડી કરી રહ્યા છે. સુરતના ભીમપોરની એક શાળામાં રસીકરણ માટેનું સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ કેટલી મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે અને તે કેટલી ગંભીર હોય શકે છે તે અહીં જોવા મળી છે.
સુરક્ષા માટે ઝડપથી રસી લેવાનો પ્રયાસ
રસીકરણ માટે સુરત શહેરમાં પડાપડી થતી જોવા મળી રહી છે. લોકોને હવે રસી લેવી છે પરંતુ જે રીતે રજિસ્ટ્રેશન કર્યા બાદ યુવાનો અને રસી આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ 1લી મેથી રસી આપવાની શરૂઆત કરવામાં આવશે એ પ્રકારની જાહેરાત થતાની સાથે જ લોકોને રસી નો સ્ટોકને લઈને શંકા ઊભી થઈ છે. સતત શહેર ભરમાં ચર્ચા થઈ રહી છે કે રસી ખૂબ ઓછી હોવાથી રસીકરણનો કાર્યક્રમ લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. રસી લેનારા લોકોને કોવિડ સંક્રમણનું જોખમ ખૂબ ઓછા પ્રમાણમાં રહેલું છે. જેને કારણે હવે લોકો પોતાની સુરક્ષા માટે ઝડપથી રસી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટોકન એકબીજાના હાથમાંથી ઝૂટવી લેતા જોવા મળ્યા
ભીમપોર વિસ્તારમાં વેક્સિનેશન માટે ટોકન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને જાણ થતાની સાથે જ મોટા પ્રમાણમાં ટોળા સ્વરૂપે ધસી આવીને ટોકન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ટોકન વ્યવસ્થિત રીતે લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવી જરૂરી હતી. પરંતુ જે રીતે લોકો એકાએક ટોકન લેવા માટે ધસી જતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા. લોકો ટોકન એકબીજાના હાથમાંથી ઝૂટવી લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.જો આ ટોળામાંથી કોઈપણ વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોય તો શું પરિસ્થિતિ ઊભી થઇ શકે તેની આપણે ગંભીરતા સમજી શકીએ છીએ. રસીકરણ સેન્ટરમાં ઇન્ચાર્જ કોણ હતું તેની તપાસ કરીને તેમની સામે પગલાં લેવા જરૂરી બને છે. જો આ પ્રકારની સ્થિતિ અન્ય વેક્સિનેશન સેન્ટર પર પણ હોય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
સુરત શહેરમાં વેક્સિન પણ ખૂટી પડી
શહેરમાં હવે રસી પણ ખૂટી પડી છે. 18 થી 44 વયજૂથના લોકો માટે રસી શરૂ કરવામાં આવી છે અને લોકો લેવા માટે પણ તૈયાર છે છતાં રોજના માંડ પાંચ હજાર લોકોને જ રસી મૂકવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા સુરત પાલિકાને દસ દિવસ માટે માત્ર પચાસ હજાર રસીનો જથ્થો જ ફાળવવામાં આવ્યો છે. જે મુજબ રોજના પાંચ હજાર લોકોને વેક્સિન મૂકવામાં આવે છે અને આ પ્રમાણે જ રજીસ્ટ્રેશન પણ થાય છે. સાંજે ચાર વાગ્યે રજીસ્ટ્રેશન શરૂ થાય તેના એક જ કલાકમાં પાંચ હજાર એપોઈન્ટમેન્ટ ફુલ થઈ જાય છે જેથી અન્ય યુવાઓને રજીસ્ટ્રેશન પણ થતું નથી.