આખો દિવસ અસહ્ય બફારા અને ઉકળાટ બાદ ગુરુવારે સાંજના સમયે વાતાવરણમાં આવેલા એકાએક પલટાબાદ પવનના સુસવાટા સાથે સાંતલપુર તાલુકાના વારાહી પંથકમાં સાંજના 20 મીનીટ બે ઇંચ વરસાદ ખાબકયો હતો ત્યારે સમી પંથકમાં પણ એક ઇંચ વરસાદ થયો હતા. હારિજમાં 7 મીમી,પાટણમાં 4 મીમી અને ચાણસ્મા પંથકમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની વધુ શક્યતા બની રહી છે.
બુધવાર સાંજે 6 થી ગુરૂવાર સાંજે 6 કલાક સુધીના 24 કલાકમાં 14 તાલુકામાં મેઘમહેર થઇ હતી. જેમાં સાંતલપુરમાં 2 ઇંચથી સામાન્ય ઓછો 47 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે વિજયનગરમાં 1 ઇંચથી સામાન્ય ઓછો 23 મીમી, પ્રાંતિજ અને તલોદમાં પોણો ઇંચ, ખેડબ્રહ્મામાં અડધો ઇંચ, સમીમાં 6 મીમી, બાયડમાં 5 મીમી, વડગામમાં 4 મીમી, કડી, મોડાસા અને ધનસુરામાં 3-3 મીમી, ખેરાલુ-શંખેશ્વરમાં 2-2 મીમી તેમજ પાલનપુરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ વચ્ચે મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 32.1 થી 34 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.