ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં અમદાવાદમાં ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવતું હોય છે. આજે અખાત્રીજના દિવસે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથનું પૂજન કર્યું હતું. પૂજાવિધિ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી.
ગૃહ રાજ્યમંત્રી ,પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ,ભગવાન જગન્નાથજી આપણા માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ગયા વર્ષે આપણે રથયાત્રા મહામારીને કારણે કાઢી શક્યા નથી.એ કહેવું હાલ વહેલું છે, કે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહિ . આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી છે કે મહામારીમાંથી જલદી મુક્તિ મળે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝાએ જણાવ્યું હતું કે આજે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવે છે. આજે પૂજન બાદ ત્રણ- ચાર દિવસમાં રથનું રંગરોગાન અને સમારકામ શરૂ કરવામાં આવશે. 24મી જૂનના રોજ જળયાત્રા યોજવા અંગે હજી નિર્ણય લીધો નથી. જોકે રથયાત્રા અંગે એમણે એ પણ જણાવ્યું હતું કે નિર્ણય સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લેવાશે.
ગયા વર્ષે કોરોનાની મહામારીને કારણે ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા પહેલીવાર મંદિરની બહારની જગ્યાએ મંદિર પરિસરમાં જ ફરી હતી. કોરોનાને કારણે રથયાત્રા છેલ્લે સુધી કાઢવા મામલે મંદિર અને સરકારવચ્ચે વાતચીત થઈ હતી. હાઇકોર્ટમાં પણ સુનાવણી આ મામલે યોજાઈ હતી.પછી છેવટે ભગવાન જગન્નાથજી ની રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ભગવાન જગન્નાથજીના રથને વિધિ કરી અને મંદિરના ગેટ સુધી જ લઈ જવાયો હતો. ત્યાર બાદ ત્રણેય રથને મંદિરમાં જ ફેરવવામાં આવ્યા હતા અને ભક્તોનાં દર્શન માટે મૂકવામાં આવ્યા હતા.