આગામી દિવસોમાં મેઘરાજાના મંડાણ થઇ જશે. આ ચોમાસાના સમયમાં વીજપોલ અને વીજ વાયરના કારણે કોઇ દુર્ઘટના ન સર્જાય તેમજ વીજ પુરવઠામાં વિક્ષેપ ન સર્જાય તે માટે પીજીવીસીએલ દ્વારા પ્રિ-મોનસુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદર પીજીવીસીએલ કચેરી હેઠળ આવતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રિ-મોનસુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી ર૦ જૂનથી વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તે પૂર્વે પીજીવીસીએલનું તંત્ર પ્રિ-મોનસુન માટે એકશન મોડમાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષીણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. ચોમાસા પૂર્વે નગરપાલિકા અને પીજીવીસીએલ તંત્ર પ્રિ-મોનસુનની કામગીરીમાં લાગી ગયું છે. આગામી દિવસોમાં વિધિવત રીતે ચોમાસાની ઋતુ શરૂ થઇ જશે ત્યારે ચોમાસાની ઋતુમા વીજ પુરવઠામાં કોઇ વિક્ષેપ ન પડે અને કોઇ અકસ્માતનો બનાવ ન બને તે માટે પોરબંદર પીજીવીસીએલ કચેરી હેઠળ શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં વિવિધ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર પીજીવીસીએલ કચેરીએ આપેલી માહિતી મુજબ હાલ પ્રિ-મોનસુનની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જંમ્પર રીપેરીંગ, લુઝ વાયર રીપેરીંગ, નમી ગયેલા પોલને સીધા કરવા, ફેબ્રીકેશન તેમજ વીજપોલ પરના એંગલ સરખા કરવા, વૃક્ષની ડાળીઓ કટીંગ તેમજ વીજપોલ નીચે સિમેન્ટ-કોંક્રીટ દ્વારા વીજપોલને મજબુતી પ્રદાન કરવા હાલ પીજીવીસીએલની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વીજપોલ પરના જે વાયરો લુઝ હોય તેમજ વીજપોલ નબળા હોય કે નમેલા હોય તેને તાત્કાલીક રીપેરીંગ કરવાની તેમજ જરૂર પડે ત્યાં નવા વીજપોલ ઉભા કરવાની પણ કામગીરી ચાલી રહી છે. કારણ કે ચોમાસની ઋતુમાં ભારે પવન સાથે વરસાદ પડતો હોય છે. ત્યારે વીજપુરવઠાને લઇને વિક્ષેપ ન પડે તે માટે પીજીવીસીએલની ટીમ ખડેપગે રહી કામગીરી કરી રહી છે. હાલ પીજીવીસીએલ સબ ડિવિઝન કચેરી હેઠળ કુલ ૮ થી ૧૦ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.