બારડોલી: ગ્લોબલ વોર્મિગના પડકારોનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ત્યારે જન જન સુધી પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી દરવર્ષ તા. ૫મી જૂન “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવણી કરાય છે. ત્યારે પ્રાકૃતિક સંપદાનું જતન અને સંવર્ધનના સંદેશા સાથે વિરલ દેસાઈએ વધુમાં વધુ વૃક્ષોના વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનું બિડુ ઝડપ્યું છે. સમગ્ર ભારત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે અમૃત મહોત્સવને ટેકો આપવા ગુજરાત રાજ્યના વિવિધ નિગમો અને સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય યજ્ઞમાં પોતાનું યશસ્વી યોગદાન આપી રહ્યા છે. ત્યારે સુરતનું હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સ્થાપક વિરલ દેસાઈએ ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન ચળવળનું આયોજન કર્યું છે. જે ચળવળ અંતર્ગત આગામી સમયમાં સુરત જિલ્લામાં અત્યંત મોટાપાયે જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવશે અને વિવિધ સ્થળોએ અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરવામાં આવશે. વિરલ દેસાઈએ ૨૦૧૬ના વર્ષમાં કેન્સર પીડિતો માટે કરવામાં આવેલા કેમ્પ દરમિયાન ઓક્સિજનનું મહત્વ સમજીને વૃક્ષોથી ઘરતીને નવપલ્લવિત કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેઓએ અત્યાર સુધીમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, વડોદરા અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ત્રણ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી ચુકયા છે. તેઓ જણાવે છે કે, આપણને કોરોના સમયે ઓકિસજનનું સાચુ મહત્વ સમજાયું હતું. આધુનિકતાની દોડમાં દિન-પ્રતિદિન પ્રદૂષણના પ્રમાણ વધારો થઈ રહ્યો છે જેના કારણે તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા ખૂબ જરૂરી છે. અમારા ફાઉન્ડેશન દ્વારા ઉધનાની રેલ્વે કોલોની ખાતે શહીદ સ્મૃતિ વન, છાયડો ખાતે પોકેટ ફોરેસ્ટ, ગાંધી એન્જિનિયરીંગ કોલેજ ખાતે પાંચ હજાર, સરથાણા નેચર પાર્ક ખાતે આઠ હજાર તથા દાંડી ગામે ચાર હજાર વૃક્ષોનું વાવેતર કર્યું છે. અન્ય જિલ્લાઓમાં પણ વૃક્ષોનું વિતરણ તથા વાવેતર કરીએ છીએ. તેઓ વધુમાં જણાવે છે કે, ૨૦૨૧માં પર્યાવરણ દિવસે વાંઝ ગામેથી સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન ચળવળની શરૂઆત કરી હતી. આ ચળવળને વડાપ્રધાન શ્રીના આઝાદી કા અમૃત મહોત્સવને સમર્પિત કરી હોવાનું તેઓ જણાવે છે. ગ્રીનમેન તરીકેની ખ્યાતિ પામેલા શ્રી દેસાઈ કહે છે કે, આપણા વડાપ્રધાને જ્યારથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની જાહેરાત કરેલી ત્યારથી મારા મનમાં એક રાષ્ટ્રીય સ્તરની પર્યાવરણીય ચળવળનો વિચાર આવ્યો હતો. લાંબા મનોમંથન બાદ મેં ગાંધીજી અને સરદાર પટેલના મુલ્યો પર આધારીત સત્યાગ્રહ અંગેઈન્સ્ટ પૉલ્યુશન મુવમેન્ટનું આયોજન કર્યું છે. જે અંતર્ગત આગામી સમયમાં બે લાખથી વધુ વૃક્ષોનું વાવેતર સાથે લોકોને પર્યાવરણ સેનાની બનાવીને તેમને ક્લાયમેટ ચેન્જની સમસ્યાઓ સામે જાગૃત કરવાનો આશય રહેલો હોવાનું તેઓ જણાવે છે. વિરલ દેસાઈએ ગુજરાત રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સાથે મળીને કચેરીને બાજુમાં આવેલી જગ્યા પર જાપાની મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાની વિગતો આપી હતી. આ સંદર્ભે GPCBના કાર્યકારી પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસાબેન ઓઝાએ જણાવ્યું હતું કે, ક્લાયમેટ ચેન્જ તેમજ પ્રદૂષણ સામે બાથ ભીડી શકાય અને નાગરિકોને એ માટે સજ્જ કરી શકાય એ માટે અમે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સાથે મળીને આ ચળવળનું આયોજન કર્યું છે. આ ચળવળમાં અમને પાંડેસરા સીઈપીટીનો પણ સહયોગ મળ્યો છે, જ્યાં અમે ત્રણેય સંસ્થા મળીને ૨૫૦૦ વૃક્ષો સાથેનું એક અર્બન ફોરેસ્ટ તૈયાર કરી રહ્યા છીએ. તેમજ આવનારા સમયમાં સુરત યુનિટમાં જાગૃતિ અભિયાનો પણ હાથ ધરવામાં આવશે. વધુમાં પ્રાદેશિક અધિકારી કહ્યું કે પાંડેસરા ખાતે તૈયાર થઈ રહેલા આ અર્બન ફોરેસ્ટના માધ્યમથી અમે પાંડેસરા વિસ્તારની બાયોડાવર્સિટીને અત્યંત મોટા પ્રમાણમાં સપોર્ટ આપીશું. હાલમાં પાંડેસરા વિસ્તારમાં પતંગીયા, ખીસકોલી, પક્ષીઓ તેમજ સરીસૃપો નહીંવત પ્રમાણમાં છે. પરંતુ આ વનના માધ્યમથી ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ ચેન્જના ક્ષેત્રમાં એક મહત્ત્વનું કામ થશે. તેમજ સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન ચળવળમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં કયા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષોનું મહત્ત્વ શું છે કે વૃક્ષોથી લાભો શું થઈ શકે છે એ વિશેની પણ વિસ્તૃત માહિતી પ્રસ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત ક્લાયમેટ ચેન્જની સમસ્યાને કઈ રીતે ટાર્ગેટ કરવી એ સંદર્ભની જાણકારીઓ સાથેના સેમિનાર્સનું પણ આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારત શૂન્ય કાર્બન ઉત્સર્જનની દિશામાં આગેકૂચ કરશે. એવા સમયે જીપીસીબી તેમજ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા ઉપાડવામાં આવેલી આ ચળવળ એકસાથે લાખો લોકોને પર્યાવરણ સંરક્ષણની દિશામાં જાગૃત કરશે અને વડાપ્રધાનના સ્વપ્નને સાકારિત કરવામાં પોતાનો ફાળો આપશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું